ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ આજરોજ જિલ્લા કલેકટર હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી ૨૬ પ્રશ્નોની રજૂઆત નાગરિકો દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી ૨૫ પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવ્યો હતો.
નાગરિકોના પ્રશ્નોના સરળતાથી અને ઝડપી ઉકેલ માટે રાજયભરમાં બે દાયકાથી સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દ્રિસ્તરીય સ્વાગત કાર્યક્રમ તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ યોજાય છે. આજે ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેષ કોયાના અઘ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં લોક સમસ્યાને વાચા આપતાં વિવિઘ પ્રશ્નો સાથે સાથે દબાણ, જમીન સર્વે, જમીન સંલગ્ન અને નિતી વિષયક ન હોય તેવા પ્રશ્નોની રજૂઆત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ થકી જિલ્લા કલેકટર હિતેષ કોયાએ સર્વે અરજદારોની વાત તેમના સ્વમુખે સાંભળી હતી. જે પ્રશ્નની રજૂઆત થાય તે અંગે સંબંઘિત અધિકારીઓ પાસે તેનો ખુલાસો પ્રત્યુત્તર સાંભળ્યો હતો. તેમજ અરજદારોના પ્રશ્નનો ઉકેલ શકય હોય તેટલો ઝડપી થાય તે માટે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. મોટાભાગના પ્રશ્નોના ઉકેલનો સમય એક સપ્તાહ થી એક માસ દરમ્યાનનો રહ્યો હતો. આ કાર્યક્રમમાં ૨૬ અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલા ૨૬ પ્રશ્નોમાંથી ૨૫ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, અધિક નિવાસી કલેકટર ભરત જોષી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.