દહેગામ જીઆઈડીસીમાં ટેન્કરમાંથી કેમિકલ કાઢી લેવાના રેકેટનો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પર્દાફાશ કર્યો છે. એસએમસીએ રૂ. ૪૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. દહેજથી હિંમતનગર કેમિકલ લઈ જવામાં આવતું હતું અને દહેગામ જીઆઈડીસીમાં કેમિકલ કાઢવામાં આવતું હતું અને તેની જગ્યાએ પાણી ઉમરી દેવામાં આવતું હતું. આ કેસમાં એક આરોપી વોન્ટેડ બતાવવામાં આવી રહ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, દહેગામ જીઆઈડીસીમાં દહેજથી ટેન્કરમાં કેમિકલ ભરી લાવવામાં આવે છે અને તે ખાલી કરીને તેની જગ્યાએ પાણી ઉમેરી દેવામાં આવે છે. જે બાતમીના આધારે એસએમસીએ દરોડો પાડયો હતો અને જેમાં રૂ.૪૨ લાખનો મુદ્દામાલ પકડયો હતો. આરોપીઓ દહેજથી કેમિકલ ટેન્કરમાં ભરી લાવતા હતા અને હિંમતનગર ખાલી કરતા હતા પણ દહેગામ જીઆઈડીસીમાં કેમિકલ ખાલી કરીને તેના સ્થાને પાણી ભરી દેતા હતા. એસએમસીએ ફેનોલ કેમિકલ ૩૦,૫૩૩ કિલોગ્રામ જેની કિંમત રૂ.૨૭,૬૨,૨૪૮ થવા જાય છે. આ સિવાય વાહન ટેન્કર નંગ-૧ જેની કિમત રૂ.૧૫ લાખ થવા જાય છે. મોબાઈલ-૩ જેની કિંમત રૂ.૧૦,૫૦૦ થવા જાય છે અને કેસની સાઈઝ રૂ.૩ હજાર બેરલ અને અન્ય મુદ્દામાલ રૂ.૧૩,૨૦૦ સહિત કુલ ૪૨,૮૮,૯૪૮ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓમાં યુનુસભાઈ હબીબભાઈ મીર (રહે.હિમતપુરા, ભચાવ, તા.ભચાવ, ટેન્કર ડ્રાઈવર), શૈલેષભાઈ વિરમભાઈ પટેલ (રહે.૧૨૬ પ્રણામી બંગ્લોઝ, વસ્ત્રાલ) અને લાલાભાઈ દાજીભાઈ ખાટ (રહે.પ્લોટ નં-૭૦૫, વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ, જીઆઈડીસી, દહેગામ)ની ધરપકડ કરી હતી અને તેમની સામે તપાસ હાથ ધરી છે. આ કેસમાં એક આરોપી સી.એમ.પટેલ કોસ્મિક કેમિકલ રખિયાલ વોન્ટેડ બતાવવામાં આવ્યો છે.