મહેસાણા એલસીબીને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે મહેસાણા થઈ ગાંધીનગર જનારા એક પીકએપ ડાલાને માનવ આશ્રમ પાસે રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ચાલક શાહિદ ખાન અનવર ખાન અમાનત અલીને ઝડપી લીધો હતો.
મહેસાણા એલસીબીને બાતમી મળી હતી કે, એક પીકઅપ ડાલું મહેસાણા થઈને ગાંધીનગર જવાનું છે, જેમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. ત્યારે એલસીબીની એક ટીમે સોમનાથ ચોકડી પાસે માનવ આશ્રમ નજીક વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા શંકાસ્પદ જણાતા એક પીકઅપ ડાલાને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ડાલામાંથી પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
પૂછપરછમાં ડ્રાઇવર શાહિદ ખાન અનવર ખાન અમાનત અલીએ જણાવ્યું કે, વિદેશી દારૂનો આ જથ્થો શ્રવણ સિંગ પરમારે ભરી આપ્યો હતો અને તેણે બાલવા ચોકડી પાસે કૌશલસિંહ રઘુસિંહ વાઘેલાને આપવાનો હતો. આ કાર્યવાહી હેઠળ પોલીસે વિવિધ બ્રાંડની 309 બોટલ જેની કિંમત આશરે રૂ.1.35 લાખ, 9 બિયર ટીન કિંમત રૂ. 26 હજાર, રૂ. 4 લાખનું પિકઅપ ડાલું , મોબાઇલ ફોન, રોકડ મળી કુલ રૂ. 5.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે કૌશલ સિંહ, શ્રવણસિંહ પરમારની શોધખોળ આદરી છે.