દહેગામ શહેરમાં આવેલ જીઆઇડીસીના એક ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. જે ગોડાઉનમાં દારૂનો જથ્થો ઝડપાયો ત્યાં કોઇ હાજર ન હોવાથી આ દારૂ કોણ લાવી વેચાણ કરી રહ્યું હતું તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. આ મામલે પોલીસે ગોડાઉનના કબજેદાર કે ભાડુઆત કોણ તે જાણવા તેના માલિકની શોધખોળ હાથ ધરી છે.
દહેગામ શહેરમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતો તે દરમિયાન દેહગામ પોલીસની ટીમની ખાનગી રાહે બાતમી મળી હતી કે દહેગામ જીઆઇડીસીમાં આવેલ એક ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવેલ છે. જેના આધારે દહેગામ પોલીસે ગોડાઉન ખાતે પહોંચી તપાસ કરતા ગોડાઉનમાંથી લાખો રૂપિયાની મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
દહેગામ પોલીસ જ્યારે બાતમીના આધારે દહેગામ જીઆઇડીસીમાં આવેલ પ્લોટ નંબર ૧૨૦૪ અને ૧૨૦૫ ખાતે પંચોને સાથે લઇ ગોડાઉન ખાતે પહોંચી હતી. ત્યાં જઈ જોયું તો ગોડાઉનનું શટર અડધું ખુલ્લું હતું તેમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે અહીંયાં પૂઠાના બોક્સમાં તપાસ કરતા રૂ.૪.૬૫ લાખની કિંમતની વિદેશી દારૂની ૪૬૫૬ બોટલો મળી આવી હતી. આ મામલે દહેગામ પોલીસે જરૂરી કાર્યવાહી પૂરી કરી ગોડાઉનના કબજેદાર સામે ગુન્હો નોંધ્યો છે. દહેગામ પોલીસે માલિક અને કબજેદારની શોધખોળ હાથ ધરી છે.