મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાલિતાણા જૈન સમાજની માગો અને શેત્રુંજય પર્વત પર થયેલા વિવાદ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ચેકડેમના સમારકામને પ્રાથમિકતા આપવા અંગે ચર્ચા થઈ અને શિક્ષણ અંગેની ચર્ચામાં બજેટ પહેલાં સ્કૂલોના જર્જરિત ઓરડાઓનું રીપેરિંગ કરવાની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. સાંજ સુધીમાં પાલિતાણા અંગે SITના સભ્યોના નામની જાહેરાત કરાશે તેમ જણાવ્યું હતું.
શેત્રુંજય પર્વત પર સુરક્ષા વધારાઈ
ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠક પહેલા ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાલીતાણા તીર્થ માત્ર ગુજરાતનું જ નહીં પણ સમગ્ર દુનિયાના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે, તેથી મુખ્યમંત્રીએ એક ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લીધો છે તેમ જણાવ્યું હતું. જોકે જૈન સમાજની માગ અને તેમના વિરોધને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ છે. શેત્રુંજય પર્વત પર સુરક્ષા વધારી ત્યાં 1 પીએસઆઈ, 2 એએસઆઈ, 3 હેડ કોન્સ્ટેબલ, 12 કોન્સ્ટેબલ ફરજ પર મૂકાયા છે. ઉપરાંત, 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમગાર્ડ્સ અને આઠ ટીઆરબીના જવાનો કાર્યરત છે. હવે શેત્રુંજય પર્વતની સુરક્ષાને ડીવાય એસપીની દેખરેખ હેઠળ એક સ્પેશિયલ ટીમ કાર્યરત રહેશે.
સાંજ સુધી SIT ના સભ્યોની જાહેરાત કરાશે
ઉલ્લેખનીય છે કે, જૈન સમાજના શ્રદ્ધાના કેન્દ્ર એવા તીર્થ સ્થાન પાલિતાણામાં અસામાજિક પ્રવૃત્તિઓ સહિતના પડતર મુદ્દાઓ અંગે હવે જૈન સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. જે હેઠળ અમદાવાદ બાદ સુરત સહિતના અનેક શહેરોમાં જૈન સમાજની વિશાળ રેલી નીકળી હતી. જૈન સમાજના લોકોના આ આક્રોશને જોતા ગૃહ રાજ્યમંત્રી દ્વારા મેરેથોન બેઠક યોજી સ્પેશિયલ ટાસ્ક ફોર્સની (STF) રચના કરાઈ હતી. જે અંગે આજે સાંજ સુધીમાં એસઆઈટીના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.