આજરોજ ગાંધીધામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા રેલીનું આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ૨૫૦ મીટર લંબાઈનો તિરંગો નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા યાત્રા ગાંધીધામ શહેરમાં ગાંધી માર્કટથી શરૂ થઈને ઝંડા ચોક સુધી પહોંચી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશાળ જનમેદનીને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન અને મારી માટી, મારો દેશ કાર્યક્રમનું આયોજન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ કરવામાં આવ્યું છે. સરહદી કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર ખાતેથી ગૃહ રાજ્યમંત્રીએ નાગરિકોને ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં જોડાઈને વીરોને વંદન કરવા આહ્વાન કર્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે અને તે દેશનો પ્રથમ જિલ્લો છે. ગૃહમંત્રીએ ગાંધીધામની ધરતીને નમન કરીને વીરોને વંદન કર્યા હતા. નાગરિકોને ઘરે ઘરે તિરંગો લહેરાવીને વીર શહીદોને વંદન કરવા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ‘મારી માટી,મારો દેશ’ કાર્યક્રમમાં ગામડે ગામડેથી માટી એકઠી કરવામાં આવી રહી છે. આ ફક્ત માટી નથી પણ દેશની જનતાના આશીર્વાદ છે. ગૃહ રાજ્યમંત્રીએ પોતાના પરિવારના વિવિધ શુભ પ્રસંગોમાં શહીદ પરિવારના સભ્યોને આમંત્રિત કરી તેમનું સન્માન કરવા અપીલ કરી હતી.
ગાંધીધામ શહેરની ગાંધી માર્કેટથી ઝંડા ચોક સુધી ઠેર-ઠેર વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો, વેપારીઓ દ્વારા તિરંગા રેલીને પુષ્પો સાથે વધાવી ગૃહ રાજ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું આવ્યું હતું. મંચ ઉપર સૌ મહાનુભાવોએ કચ્છી શાલ, પાઘડી અને કચ્છી ભરતકામ ભરેલી કોટિ પહેરાવીને ગૃહ રાજ્યમંત્રીને આવકાર આપ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રીને સરહદી જિલ્લા કચ્છમાં આવકારીને પ્રાસંગિક પ્રવચન કરતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, દેશના નામી-અનામી વીરોને યાદ કરવા, શહીદોના પરિવારોનું સન્માન કરવા તેમજ માટીને નમન કરવા માટે ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોને મોટી સંખ્યામાં આ અભિયાનમાં સહભાગી થવા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.