ઇડરના સાપાવાડામાં બુધ-ગુરુવારની રાત્રિ ચોરોએ સ્વામિનારાયણ મંદિરમાંથી છત્તર, બુટ્ટી હાર અને એક ઘરના કંમ્પાઉન્ડમાંથી બાઇકની ચોરી તથા શિવમંદિરનું તાળું તોડતાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે કુલ રૂ.43,500 ની મત્તાની ચોરી થવા અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સાપાવાડામાં બુધ-ગુરુવારની રાત્રે 1:25 કલાકની આસપાસ સ્વામિનારાયણ મંદિરમાં કોટ કૂદી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને ત્રણ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ત્યારબાદ મંદિરનો આખેઆખો દરવાજો કાઢીને બાજુ ઉપર મૂકી ગર્ભગૃહમાં પ્રવેશી ભગવાનનું છત્તર, ઠાકોરજીની પંચધાતુની બે નાની મૂર્તિની ચોરી કરી હતી. બીજા કિસ્સામાં નિલકંઠ મહાદેવના મંદિરનું દરવાજાનું લોક તોડી અંદર જઈ તપાસ કરતાં કંઈ હાથ લાગ્યું ન હતું દાનપેટીનું તાળું પણ તોડી નાખ્યું હતું. જ્યારે ત્રીજી જગ્યાએ બારોટ પરિવારના મકાનના કોટના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશીને મકાન આગળથી મણીભાઈ ગોપાલદાસ બારોટનું હીરો કંપનીનું બાઈક નંબર જીજે-09-સીવી-7401 ની ચોરી કરી હતી.પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. ઇડર પીઆઇ પ્રકાશકુમાર ચૌધરીએ જણાવ્યું કે ગર્ભગૃહમાંથી રૂ.10 હજારની નાની બે મૂર્તિ 5 હજારનું છત્તર, બે બુટ્ટી મળી કુલ રૂ.19,500 તથા રૂ.24 હજારના બાઇકની ચોરી થવા અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે બે વર્ષ અગાઉ પણ સ્વામિનારાયણ મંદિરમાં 1.83 લાખની ચોરી થઈ હતી પણ હજુ સુઘી ચોર પકડાયા નથી અને ફરીથી બે વર્ષ બાદ આ સ્વામિનારાયણમાં ચોરીની ઘટના બની છે. ચોરીની આ ઘટનાથી ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે.