રાજ્ય સરકાર દ્વારા અનધિકૃત રીતે સરકારી જમીન પર કબજો કરનારા લોકો સામે કડક કામગીરી શરૂ કરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં સરકારી જમીન ઉપરનું દબાણ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી વધુ એક દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ છે. હર્ષદ ગાંધવી વિસ્તારના દબાણકારોને 18 જાન્યુઆરીના રોજ લેખિત નોટિસ ઇસ્યુ થયા બાદ અનેક દબાણો યથાવત રહેતા આખરે આજે સવારથી જુદા-જુદા પ્રકારના દબાણો પર સરકારી મશીનો વડે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આજે સવારથી હર્ષદ ગાંધવી વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પોલીસ તથા એસઆરપી સહિતનો સુરક્ષા કાફલો ગત રાત્રિથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઝુંબેશ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા હતા.સરકારી તંત્ર દ્વારા અનધિકૃત દબાણકર્તાઓને ફટકારવામાં આવેલી નોટિસો સામે તેઓ કોર્ટમાં ગયા હતા અને તેઓની અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.