દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકા ચૂંટણી પત્યા બાદ પણ આ બાબતે બે જૂથ વચ્ચે મનદુઃખ ચાલતું હોય જે મામલે આજે સલાયામાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી બોલી હતી જેમાં હોકી અને લાકડીથી સામસામે તૂટી પડતા અડધો ડઝન જેટલા લોકો ઘવાયા હતા.
ખંભાલિયા તાલુકાના સલાયા ગામે પાલિકાના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે જૂનું મનદુઃખ ચાલતું હોય, પાલિકામાં ભાજપના તત્કાલીન પ્રમુખ સાલું પટેલ ઉર્ફે સલે મામદ કરીમ ભગાડ ગત માસે યોજાયેલી ચૂંટણીમાં વિજેતા બન્યા હતા મોટાભાગના સદસ્યો હારી જતા ભાયા પરિવારની આગેવાની હેઠળ કોંગ્રેસ તરફ અબ્દુલ્લા ભાયા ની પેનલ વિજેતા બની હતી જે બાબતે બંને જૂથ વચ્ચે મનદુઃખ અને તકરાર ચાલતી હોય કોઈ દિવસ આ તકરાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેશે તેવી દહેશત સાચી બની હતી. આજે ભાયા જૂથના એક યુવાન મોટરસાયકલ પર સલાયા નગરગેટ પાસેથી જતો હોય ત્યારે તેને બોલાચાલી થવા પામી હતી અને બાદમાં બે જૂથ હોકી અને લાકડી જેવા હથિયારો લઈને સામસામે આવી ગયા હતા અને રીતસરનું ધીંગાણું ખેલાયું હતું જેને પગલે બજારમા નાસભાગ મચી હતી અને જૂથ અથડામણમાં કુલ છ લોકો ઘવાયા હતા જેને સ્થાનિક હોસ્પિટલ લવાયા બાદ ભાયા ગ્રુપના બે યુવાનોને ગંભીર ઈજાઓ સાથે જામનગર ખસેડવામાં આવ્યા હતા ધીંગાનાને પગલે જિલ્લા પોલીસવડા રોહન આનંદ દોડી આવ્યા હતા અને તંગ પરિસ્થિતિને પગલે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો તો જૂથ અથડામણ ની ઘટનામાં નિવેદન નોંધી ફરિયાદ માટેની તજવીજ આદરી છે.