ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ દ્વારા પાંડોરી માતાની મહિમા-થીમ
આધારિત નાટ્યકૃતિ – સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ થશે
આદિજાતિ વિકાસ, વન અને પ્રવાસન મંત્રીશ્રી વસાવાએ
મેળાના પૂર્વ આયોજન અંગે યોજેલી બેઠક
ગુજરાતનાં આદિજાતિ વિકાસ, વન, પ્રવાસન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગનાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ આગામી મહાશિવરાત્રિનાં તહેવાર પ્રસંગે નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં દેવમોગરા ખાતે આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાનાં મંદિરે યોજાતાં પારંપારિક મેળાની ઉજવણીનાં સંદર્ભે રાજપીપલાનાં ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ ખાતે તાજેતરમાં જિલ્લા વહિવટીતંત્ર સાથે મેળાનાં પૂર્વ આયોજન અંગે બેઠક યોજીને આ મેળાની ઉજવણીનું સુચારૂં આયોજન ઘડી કાઢવા સૂચના આપી છે.
ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. શશીકુમાર, દેડીયાપાડાનાં પ્રાંત અધિકારીશ્રી ડી.એન. ચૌધરી, ગુજરાત પ્રવાસન વિકાસ નિગમનાં ઇવેન્ટ મેનેજરશ્રી ભટ્ટાચાર્ય સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ અને પાંડોરી માતા મંદિર ટ્રસ્ટનાં હોદ્દેદારશ્રીઓ-ટ્રસ્ટીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ મંદિર ટ્રસ્ટ તરફથી રજૂ થયેલા સૂચન મુજબ આગામી મહાશિવરાત્રિના મેળા દરમિયાન સમગ્ર મંદિરનું, ગઢનું, મંદિરના પ્રવેશદ્વારનું ભવ્ય ડેકોરેશન કરવા, માતાજીની ગઢ યાત્રામાં પોલીસ ઘોડેસવારની ફાળવણી કરવા તેમજ પાંડોરી માતાની મહિમા-થીમ આધારિત નાટ્યકૃતિ – સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે જેવી બાબતો આવરી લેવા મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું.
મહાશિવરાત્રિનાં મેળાનાં પૂર્વ આયોજનની સાથોસાથ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ પાંડોરી માતાનાં મંદિર સંકુલમાં યાત્રાધામ-પ્રવાસન વિકાસ સંદર્ભે પ્રવાસીઓ-યાત્રાળુઓની સુવિધા માટે હાથ ધરાનારા ધર્મશાળાનાં નવીન બાંધકામ ઉપરાંત આનુષંગિક અન્ય જરૂરી સવલતો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. કણબીપીઠા મુખ્ય માર્ગથી દેવમોગરા સુધીનાં માર્ગની હાથ ધરાયેલી કામગીરી સંદર્ભે થયેલી પ્રગતિની પણ તેમણે સમીક્ષા કરી હતી.