દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક સ્કૂલ બસ અને કાર (TUV) વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 6 લોકોના મોત થયા છે. ડીસીપી ગ્રામ્ય ઝોને આ વાતની પુષ્ટિ કરી છે. NH 9 પર લાલકુઆંથી દિલ્હી જતી લેનમાં આ અકસ્માત થયો છે. પોલીસ અને ડીએમઈની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશન વિસ્તારના રાહુલ વિહારની સામે બની છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહો કારમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા માટે પોલીસકર્મીઓને ભારે જહેમત ઉઠાવવી પડી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ પણ જોવા મળી. પ્રાપ્ત માહિતી અનુસાર, કટર વડે દરવાજો કાપીને એક મૃતદેહને બહાર કાઢવો પડ્યો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
એડિશનલ ડીસીપી ટ્રાફિકે ઘટનાની સંપૂર્ણ વિગતો આપી
આ દુર્ઘટના અંગે એડિશનલ ડીસીપી ટ્રાફિક રામાનંદ કુશવાહાએ જણાવ્યું કે, ‘દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સવારે લગભગ 6 વાગે સ્કૂલ બસ અને TUV કાર વચ્ચે ટક્કર થઈ છે. બસ ચાલક દિલ્હી ગયો હતો અને ત્યાંથી સીએનજી ભરીને રોંગ સાઈડથી આવી રહ્યો હતો. ટીયુવીમાં બેઠેલા લોકો મેરઠથી આવી રહ્યા હતા અને ગુડગાંવ જવાનું હતું. સામ-સામે અથડામણમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે, તેમની સારવાર ચાલી રહી છે. બસનો ડ્રાઈવર ઝડપાઈ ગયો છે. આ કેસમાં તમામ ભૂલ બસ ડ્રાઈવરની હતી, જે દિલ્હીથી CNG ભરીને રોંગ સાઈડમાં આવી રહ્યો હતો.’
કુશવાહાએ કહ્યું, ‘કારમાં કુલ 8 લોકો હતા. જેમાં 2 બાળકો, 2 પુરૂષ અને 2 મહિલાઓ હતા. બાકીના લોકો પણ પરિવારના જ હતા. 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે, તેઓ સારવાર હેઠળ છે. બસ બાલ ભારતી સ્કૂલ નોઈડાની હતી. મામલાની તપાસ ચાલી રહી છે.’