દિલ્હી પોલીસે સ્પેશિયલ સેલના બે પ્રખ્યાત આંતરરાજ્ય ડ્રગ્સ તસ્કરની ધરપકડ કરી છે. તેમના કબ્જામાંથી 50 કિલો અફીણ જપ્ત કર્યું છે. સેલનો દાવો છે કે, જપ્ત કરવામાં આવેલ અફીણની કિંમત બજારમાં 10 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. BREZZA કારમાં પાછળની બાજુ ટાયરો નજીક ગુપ્ત પોલાણમાં છુપાવીને તસ્કરો મણિપુરથી દિલ્હી આવ્યા હતા.
બંને છેલ્લા પાંચ વર્ષોથી તસ્કરીનો ધંધો કરી રહ્યા હતા. ડ્રગ્સનો આ જથ્થો પંજાબ અને દિલ્હીમાં સપ્લાય કરવાનો હતો. પોલીસે તસ્કરી માટે ઉપયોગમાં લીધેલી બ્રેઝા કાર પણ જપ્ત કરી લીધી છે. સેલ આ સિન્ડિકેટ સાથે જોડાયેલી પૂરી ચેન વિશે જાણવાનો પ્રયત્ન કરી રહી છે.
ડીસીપી આલોક કુમારના જણાવ્યું કે, ધરપકડ કરાયેલા તસ્કરોના નામ રણબીર સિંહ ઉર્ફે ટિંકુ અને લોયંગમ્બા ઈટોચા છે. રણબીર સિંહ મૂળ પંજાબનો છે. લોયંગમ્બા ઈટોચા, ઈમ્ફાલ, મણિપુરનો રહેવાસી છે.
સ્પેશિયલ સેલની ટીમ મણિપુર, આસામ, યુપી, બિહાર, પંજાબ અને દિલ્હી વગેરે રાજ્યોમાં આંતરરાજ્ય નાર્કોટિક ડ્રગ્સ કાર્ટેલ સક્રિય હોવાની માહિતી પર કાર્યવાહી કરી રહી હતી. આ કાર્ટેલના સભ્યો મ્યાનમારથી હેરોઈન અને અફીણનો પુરવઠો મેળવવામાં અને દિલ્હી NCR અને પંજાબ સહિત દેશના ભાગોમાં વધુ સપ્લાય કરવામાં સામેલ છે. પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યું કે, તેઓ એક મોટી સિન્ડિકેટના સભ્યો છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી મ્યાનમાર અને મણિપુરથી દિલ્હી, પંજાબ અને અન્ય ઉત્તરીય રાજ્યોમાં અફીણ અને હેરોઈન સપ્લાય કરી રહ્યા છે.