દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ અને શીત લહેરનો પ્રકોપ ચાલુ છે. ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં શીત લહેર ચાલુ રહેશે. હવામાનશાસ્ત્રીઓએ પણ ગંભીર હવામાનને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે નવીનતમ હવામાન આગાહી જારી કરી છે. જે મુજબ હાલ લોકોને ઠંડીથી રાહત મળે તેવી શક્યતા નથી. ઠંડા પવનો હવે લોકોને પરેશાન કરશે. હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, બિહાર, મધ્યપ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી આવી જ હાલત કરશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહારમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. ઉત્તર અને પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોમાં ધુમ્મસનો પ્રકોપ ચાલુ રહેશે. તેની અસર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર પણ જોવા મળશે. ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. તેની અસર રોડથી મુસાફરી કરતા લોકો પર પણ જોવા મળી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 6 જાન્યુઆરી સુધી યુપી સહિત પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવનો પ્રકોપ ચાલુ રહેશે. ઠંડીને જોતા ઘણા રાજ્યોમાં શાળાઓની રજાઓ પણ લંબાવવામાં આવી છે. યુપીની રાજધાની લખનઉમાં ધોરણ 12 સુધીની તમામ શાળાઓને 7 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
શીત લહેર વચ્ચે કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ ઉપરાંત તટીય આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશો આંદામાન નિકોબાર અને પુડુચેરીમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે. જો કે મેદાની અને પહાડો પરના લોકોને હાલ વરસાદથી રાહત મળશે.