એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં અન્ય એક ઉદ્યોગપતિ અમિત અરોરાની ધરપકડ કરી છે. અમિત અરોરા ગુરુગ્રામ સ્થિત ‘બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ’ના ડિરેક્ટર છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ED ની આ છઠ્ઠી ધરપકડ છે. અમિત અરોરાની મંગળવારે રાત્રે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અમિત અરોરાને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે જ્યાં તપાસ એજન્સી તેની કસ્ટડી માટે વિનંતી કરશે.
સીબીઆઈની એફઆઈઆર બાદ નોંધાયો હતો કેસ
CBI ની FIR બાદ ED એ આ કેસ નોંધ્યો હતો. આ કેસમાં તાજેતરમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં સીબીઆઈએ દાવો કર્યો છે કે અમિત અરોરા અને અન્ય 2 આરોપીઓ દિનેશ અરોરા અને અર્જુન પાંડે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ‘નજીકના સહયોગી’ છે અને તેઓએ આરોપી લોકો સેવકો માટે માટે દારૂના લાઇસન્સ ધારકો પાસેથી મેળવેલા પૈસા ગેરકાયદેસર નાણાકીય વ્યવસ્થાપન અને હેરાફેરી કરવામાં સક્રિયપણે સામેલ હતા. EDએ ગયા અઠવાડિયે આ કેસમાં તેની પ્રથમ ચાર્જશીટ પણ દાખલ કરી હતી, જેમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ સમીર મહેન્દ્રુ અને કેટલીક સંસ્થાઓના નામ આપ્યું છે.
કોણ છે EDના હાથે ઝડપાયેલા અમિત અરોરા?
CBI ની FIR માં અમિત અરોરા આરોપી નંબર 9 છે. મળતી માહિતી અનુસાર અમિત અરોરા એ જ દારૂના ધંધાર્થી છે જે ભાજપના સ્ટિંગ ઓપરેશનમાં પણ દેખાયા હતા. સીબીઆઈએ અમિત અરોરાની પણ પૂછપરછ કરી હતી. ગયા અઠવાડિયે EDએ અમિત અરોરાના ઘર પર દરોડા પાડ્યા હતા. અમિત અરોરા બડી રિટેલ્સ અને અન્ય 13 કંપનીઓના ડિરેક્ટર છે અને અગાઉ તેઓ 37 કંપનીઓમાં ડિરેક્ટરના પદ સાથે જોડાયેલા હતા. અમિત અરોરાની આ કંપનીઓની એક્સાઇઝ પોલિસીમાં ફેરફારમાં મહત્ત્વની ભૂમિકા હોવાની શંકા છે. આ કંપનીઓના ખાતામાંથી હોટેલ અને ફ્લાઈટ ટિકિટ બુક કરવામાં આવતી હતી.
દારૂ કૌભાંડમાં અરોરાની ભૂમિકાની થઈ રહી છે તપાસ
એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે અમિત અરોરાની ઉદારતાથી અમલદારો અને રાજકારણીઓ સહિત સરકારી કર્મચારીઓને શું ફાયદો થયો. CBI અને EDને શંકા છે કે નવી દારૂની નીતિ ઘડવામાં અરોરાની સાથે અન્ય લોકોનો હાથ હતો, જેમને આ ફેરફારનો સીધો ફાયદો થયો. બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ દિલ્હીમાં બે ઝોનમાં દારૂનો વેપાર કરે છે – એરપોર્ટ ઝોન અને ઝોન-30. એ તપાસ પણ ચાલી રહી છે કે અમિત અરોરાની કંપનીએ એરપોર્ટ ઓથોરિટી પાસેથી એનઓસી લીધું હતું કે નહીં? અમિત અરોરા કથિત રીતે 2 અમલદારોના સંપર્કમાં હતા જેઓ દારૂની નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં સામેલ હતા.