સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે સીબીડીટીએ તાજેતરમાં આવકવેરા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. આ હેઠળ જો તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક વર્ષમાં 20 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ જમા કરો છો અથવા ઉપાડો છો તો તેના માટે પાન કાર્ડ અથવા આધાર ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નવા નિયમો 26 મે થી લાગુ થશે.
સીબીડીટીએ નોટિફિકેશનમાં કહ્યું છે કે આ નિયમ બેંક, પોસ્ટ ઓફિસ અથવા કો-ઓપરેટિવ સોસાયટીમાં ખોલવામાં આવેલા તમામ ખાતાઓ પર લાગુ થશે. જો કે, અત્યાર સુધી જે વર્ષમાં PAN અથવા આધાર જરૂરી હોય તે વર્ષમાં રોકડ જમા કરવા અથવા ઉપાડવા માટેની મર્યાદા નક્કી કરવામાં આવી ન હતી. જો કે, આ નિયમ એક દિવસમાં 50 હજાર રૂપિયા કે તેથી વધુ ઉપાડવા અથવા જમા કરાવવા પર ચોક્કસપણે લાગુ હતો.
મની કંટ્રોલના અહેવાલ મુજબ, એકેએમ ગ્લોબલના ટેક્સ પાર્ટનર સંદીપ સહગલે જણાવ્યું હતું કે આ પગલાથી નાણાકીય વ્યવહારોમાં વધુ પારદર્શિતા આવવાની અપેક્ષા છે. ઉપરાંત, આ નિયમને કારણે હવે બેંકો, પોસ્ટ ઓફિસ અથવા સહકારી મંડળીઓને 20 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનની માહિતી આપવી ફરજિયાત બનશે. તેનાથી કરચોરી રોકવામાં મદદ મળશે. આ સિવાય કોઈપણ બેંક કે પોસ્ટ ઓફિસમાં કરન્ટ એકાઉન્ટ અથવા કેશ ક્રેડિટ એકાઉન્ટ માટે હવે પાન કાર્ડ અથવા આધાર વિશે માહિતી આપવી જરૂરી રહેશે.