જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ નર્મદા જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨” નો પાંચમા તબક્કાનો દેડીયાપાડા તાલુકાના પાટડી ગામેથી તળાવ ઉંડુ કરવાના કામનું ખાતમુહૂર્ત કરી શુભારંભ કરાવ્યો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ અધ્યક્ષપદેથી ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, જળ અભિયાન એ ગુજરાતની અતૃત્પ ધરાને જળસમૃધ્ધિથી સંતૃપ્ત કરવાનું અભિયાન છે. આ અભિયાનમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમ રીપેરીંગ કરવાં, ચેકડેમ ડીસીલ્ટીંગ કરવાં, વન તલાવડી બનાવવી, નવીન તળાવો બનાવવા, માટીપાળા, તળાવનાં વેસ્ટ વિયર બનાવવા, ભૂગર્ભસંપ, આર.સી.સી. ઉંચી ટાંકી, શુધ્ધિકરણ પ્લાન્ટ, હેડ વર્ક્સ વગેરેની સાફ સફાઈ જેવા કામોને આવરી લેવામાં આવ્યાં છે. ચાલુ વર્ષે નર્મદા જિલ્લામાં અંદાજિત રૂ.૧૪ કરોડના આયોજન સામે ૫૨૨ જેટલાં વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી સુજલામ સુફલામ જળ અભિયાન થકી ગામડાઓ, તાલુકાઓ, જિલ્લાઓ સહિત સમગ્ર ગુજરાતને પાણીદાર બનાવવા સરકાર કટીબધ્ધ હોવાનું ઉમેર્યું હતું.
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૦૧૮ થી સુજલામ્ સુફલામ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન થકી નદીઓને પુન:જીવિત કરી ભાવિ પેઢીને દુષ્કાળના ઓછાયાથી મુક્ત કરવા માટેનો એક પ્રયાસ છે. જળ સંચય અભિયાન હેઠળ આદિવાસીઓને રોજગારી પણ મળી રહેશે. વરસાદી પાણી પહેલા પાળ બાંધવાના આ અભિયાનને લીધે અને જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થવાથી જળ સ્તર ઉંચા આવશે અને પિયતની સુવિધાઓમાં પણ સરળતા રહેશે.
જ્યોતી જગતાપ, રાજપીપલા
દેડીયાપાડાના પાટડી ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના” પાંચમાં તબક્કાનો પ્રારંભ.
Advertisement