નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક બોગસ દર્દીઓ તેનો લાભ ઉઠાવી રહ્યા છે અને જેમને પાસે ડોક્ટરનું પ્રમાણપત્ર ન હોવા છતાં એલોપેથિક દવાઓ વડે તબીબી પ્રેક્ટિસ કરી દર્દીઓના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. આ અગાઉ નર્મદાના એકથી વધુ બોગસ તબીબો સામે પોલીસ ફરિયાદ થઇ ચૂકી છે, જેમાં વધુ એક બોગસ ડોકટરો સામે પોલીસ ફરીયાદ થવા પામી છે. જેમાં દેડિયાપાડાના નાનીબેડવાણ ગામે પ્રાથમિક શાળા પાસે મેઈન બજારમાં પોતે ડોક્ટર ન હોવા છતાં દવાખાનું ખોલી ગામડાનાં અભણ દર્દીઓ સાથે છેતરપિંડી કરતાં તેમની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ થઈ છે.
જેમાં ફરિયાદી ડો.ભાવિન કેસવલાલ વસાવા(મૂળ રહે,ગુરુજીનગર સોસાયટી, ઝંખવાવ તા.માંગરોળ, જિ.સુરત ) એ આરોપી તારકચંદ્ર કાર્તિકચંદ્ર શીલ (રહે,નાનીબેડવાણ,બજાર ફળીયુ મૂળ રહે, કાઠાલીયા તા.નંદનપુર જી. નદીયા વેસ્ટ બેંગોલ) સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ આરોપી તારકચંદ્ર પોતે ડોક્ટર નથી તેમ જાણતો હોવા છતાં એલોપેથિક દવાઓ વડે તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથી ટેબલેટો, સીરમની બોટલો તથા પાઈપ ચઢાવવાના બોટલો, સિરીંજ, બેડની સુવિધા, દવાઓ, ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે રાખી જાહેરમાં દવાખાનું ખોલી પોતે નિષ્ણાત ન હોવા છતાં દાક્તરી સેવાના સાધનો વડે સારવાર કરતા હતા, અને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર રીતે પોતે ડોક્ટર છે તેવું ગામડાના અભણ દર્દીઓને સમજાવી જાહેરમાં દવાખાનું ખોલી દર્દીઓની સારવાર કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. ગુજરાત સરકાર માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલ પ્રેક્ટિસ સામગ્રી દવાઓ વગેરે રૂ.18,796/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા