સાગબારા તાલુકાના ઉત્તરીય વન વિભાગમાં આવેલ આદિવાસી સમાજની કુળદેવીમાં દેવમોગરા કહો કે પાંડુરી માતા,ત્યાં દર્શનાર્થે આવતા ભક્તો માટે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે યાત્રીઓ માટે ધર્મશાળા બનાવવામાં આવી ને બે વર્ષ પૂર્વે રાજ્યના મંત્રીના હસ્તે ઉદઘાટન પણ કરાયું હોવા છતાં હજી તેને શરૂ ન કરતા યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ સમગ્ર આદિવાસી સમાજની કુળદેવી એવા પાંડુરી માતાજીના ધામ દેવમોગરા ખાતે આજથી બે વર્ષ પહેલાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ હસ્તક બનાવેલ ધર્મશાળાનું ઉદ્ઘાટન તારીખ 16/6/2019 ના રોજ ગુજરાત સરકારના વન, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી એવા ગણપત વસાવા ના હસ્તે કરવામાં આવ્યાને બે બે વર્ષનો સમય વીતવા છતાં હજી સુધી આ ધર્મશાળા ખુલ્લી મુકવામાં આવી નથી.
દેવમોગરા કે જ્યાં રોજબરોજ ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ થી અસંખ્ય દર્શનાર્થીઓ માતાજીના દર્શનાર્થે આવે છે ત્યારે દૂર દરાજ થી આવતા યાત્રીઓ માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અહીં રાત્રી રોકાણ કરનારાઓ માટે ધર્મશાળાનું આયોજન કારોડોના ખર્ચે કરવામાં આવ્યું હતું ને તેનું બે વર્ષ પહેલાં જ ઉદ્દઘાટન પણ કરી દેવાયુ છતાં આ ધર્મશાળા હજુ શરૂ કરવામાં આવી નથી.જેના કારણે અહીં ધર્મશાળાની સુવિધા હોવા છતાં યાત્રીઓએ તેનાથી વંચિત રહેવું પડે છે.
ગુજરાત વિકાસ મોડેલને દેશના વિવિધ રાજ્યોમાં લાગુ કરાયો છે ત્યારે ઘર આગળજ અંધારું હોઈ તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે.2019 માં લોકસભાની ચૂંટણીઓમાં રાજકીય લાભ ખાંટવા જ આ ધર્મશાળાનું ઉદઘાટન કારવામાં આવ્યું હોય તેમ લોકોને લાગી રહ્યું છે. આજે પણ કઈ કેટલાય યાત્રીઓ રાત્રી રોકાણ માટે અહીં સુવિદ્યા હોવા છતાં પરત જવા મજબૂર થવું પડે છે.ત્યારે વહેલીતકે પવિત્ર યાત્રાધામ દેવમોગરા ખાતેની ધર્મશાળા યાત્રીઓ માટે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે. કરોડોના ખર્ચે બનાવેલ ધર્મશાળાનો ખર્ચ માથે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે લોકો માંગ કરી રહ્યા છે કે ભકતો માટે ખુલ્લું મૂકવામાં આવે.
તાહિર મેમણ , ડેડીયાપાડા