– ચોમાસા દરમ્યાન ઓરડામાં પાણી ટપકતાં વિદ્યાર્થીઓ બહાર બેસી અભ્યાસ કરે છે.
ડેડીયાપાડા તાલુકા મથકે થી માંડ પાંચ કિમીના અંતરે આવેલી ખુરદી ગામની પ્રાથમીક શાળામાં જર્જરિત ઓરડાને કારણે બાળકોને ચોમાસા દરમીયાન પણ બહાર ઓટલે બેસીને અભ્યાસ કરવો પડે છે. 180 બાળકોની સંખ્યા ધરાવતી પ્રાથમીક શાળામાં ઓરડામાં બેસવાની પ્રાથમિક સુવિધાને અભાવે શિક્ષણકાર્યમાં મુશ્કેલી પડી રહી છે. શાળામાં આવેલા જુના ઓરડા જર્જરિત બની જતા ઓરડાની છત ઉપર થી પાણી ટપકતાં વિદ્યાર્થીઓ અંદર ન બેસી શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. શાળાના જુના ઓરડા વર્ષ 2004 માં બન્યા બાદ અંત્યત જર્જરિત હાલતમાં હોવાથી ઓરડાની છત પર થી ચોમાસા દરમિયાન પાણી ટપકવા લાગે છે.
શાળામાં શિક્ષકો નિયમિત આવે છે પરંતુ ભૌતિક સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ ને યોગ્ય શિક્ષણ નથી આપી શકતાં. ચોમાસા દરમ્યાન ગામના અન્ય ઘરમાં વિદ્યાર્થીઓને બેસાડી શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. ગામના લોકો અને શાળાના શિક્ષકો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં વર્ષો થી જર્જરિત હાલતમાં આવેલા શાળાની ઇમારત ન બનતા વિદ્યાર્થી ના વાલીઓ ચિંતામાં મુકાયા છે. ગત બપોરે શાળા સમય દરમ્યાન શાળાનો જર્જરિત કમ્પાઉન્ડ વોલ ધરાશયી થયો હતો. જો કે હાલ કોવિડ ને કારણે માત્ર ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ હજાર હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. શિક્ષણ વિભાગ નું તંત્ર આ બાબતે જલ્દી કોઈ કાર્યવાહી કરે એવી ગ્રામજનો ની માંગ છે.
તાહિર મેમણ, ડેડીયાપાડા