રાષ્ટ્રના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લાના પ્રથમ મહિલા કલેક્ટર શ્વેતા તેવતિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી.
તેવતિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તાજેતરમાં જ ગુજરાતમાં પ્રારંભ કરાયેલી પોષણ સુધા યોજનાનો ઉલ્લેખ કરતા કલેક્ટર તેવતિયાએ જણાવ્યું કે, વડાપ્રધાનની “સહી પોષણ-દેશ રોશન” ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નર્મદા જિલ્લો પણ કમર કસી રહ્યો છે. જિલ્લાની ૯૫૨ આંગણવાડી કેન્દ્રના અંદાજે ૩૦ હજાર જેટલા ભૂલકાઓને ફ્લેવર્ડ મિલ્ક, પોષણ યુક્ત આહાર, ટેક હોમ રેશન અંતર્ગત બાલ શક્તિ ઉપરાંત અંદાજે ૫ હજાર જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓને માતૃશક્તિ તથા અંદાજે ૧૨,૯૭૫ કિશોરીઓને પૂર્ણા શક્તિના પેકેટ્સ પુરા પાડવામાં આવી રહ્યાં છે. હાલમાં જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ચણા, તુવેર દાળ, સીંગતેલ તેમજ પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા-ધાત્રી માતાઓને આંગણવાડી ખાતે બપોરે સંપૂર્ણ આહાર-ભોજન પુરુ પાડવામાં આવી રહ્યું છે.
આ તબક્કે જિલ્લા વહિવટી-આરોગ્યતંત્રની સુસજ્જતા ઉપરાંત જિલ્લાના નાગરિકોની જનસુખાકારી અને કર્મયોગીઓની સુખાકારી સહિત વિવિધ ક્ષેત્રોના સર્વાગીણ વિકાસ સંદર્ભે હાંસલ કરાયેલ વિશિષ્ટ સિધ્ધિઓ સહિતના જિલ્લા પ્રસાશનના મહત્વના પ્રોજેકટસ અંતર્ગત થયેલી નોંધનીય કામગીરીની આંકડાકીય રૂપરેખા સાથેનો સવિસ્તાર ચિતાર જિલ્લા કલેક્ટરે આપ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના હસ્તે દેડીયાપાડા તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક મામલતદાર એસ.વી.વિરોલાને અર્પણ કરાયો હતો. જ્યારે PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય વિમા યોજના) અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જનરલ હોસ્પિટલ રાજપીપલા અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ગરૂડેશ્વરના તબીબોને પ્રશસ્તિપત્રો આપી જિલ્લા કલેક્ટર તેવતિયાના હસ્તે સન્માન કરાયું હતું. તદઉપરાંત ૧૦૮ ના સ્ટાફ સહિત વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન દેડીયાપાડા તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બની કૃતિઓ રજૂ કરી હતી. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન હાંસલ કરનાર કૃતિઓના વિદ્યાર્થિઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા પોલીસ દ્વારા વેપન (હથિયાર) હેન્ડલિંગનું નિદર્શન કરાયું હતું. આ પ્રસંગે પોલીસ જવાનો તરફથી હર્ષ ધ્વની (VOLLEY FIRING) રજૂ થઇ હતી. અંતમાં જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે પીઠા ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ પણ કરાયું હતું.
દીપક જગતાપ, રાજપીપલા