સૌજન્ય-ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં આવેલ સિંચાઇ વિભાગનાં મહત્તમ ચેકડેમો ચાલુ વર્ષનાં ચોમાસામાં ધોવાઇ તૂટી જતાં ઇજારદારે ઉતારેલી ગેરરીતી બહાર આવવા પામી છે.
મળતી માહિતી અનુસાર વઘઇ તાલુકાનાં અંતરીયાળ વિસ્તારમાં આવેલ માનમોડી ગામ પાસે ગત વર્ષે નિર્માણ થયેલ ચેકડેમમાં લાખો રૂપિયાનો ખર્ચ કરાયા બાદ પણ પ્રથમ ચોમાસે ચેકડેમની કી વોલ ધોવાઇ તૂટી જતાં ઇજારદારે ચેકડેમ નિર્માણમાં ઉતારેલી વેઠની પોલ ઉઘાડી પડી જવા પામી હતી. ડાંગ જિલ્લાની ભૌગોલિક ડુંગરાળ પ્રદેશનાં પગલે ચોમાસામાં પાણી નકામુ વહી જાય છે, જેથી આદિવાસી ખેડૂતોને સિંચાઇનો લાભ મળી શક્તો નથી. આ નકામુ વહી જતું પાણી અટકાવવા રાજ્ય સરકારનાં સિંચાઇ વિભાગ દ્વારા ડાંગની લોકમાતાઓ અંબિકા, ખાપરી, પૂર્ણા પર લાખો રૂપિયાનાં ખર્ચે ચેકડેમો નિર્માણ કરાયા છે પરંતુ તેના યોગ્ય આયોજન કે સુપર વિઝનનાં અભાવે ચેકડેમો તકલાદી બનતાં યોજનાઓ કાગળ પર જ સાર્થક હોય તેમ જણાય રહી છે. વઘઇ તાલુકાનાં માનમોડી ગામ પાસે અંબિકા નદીમાં ચેઇન ચેકડેમ નિર્માણ કરાયા છે. પરંતુ જયવંતભાઇ પવારની જમીનને અડી બનાવવામાં આવેલા ચેકડેમની કી વોલ પ્રથમ વરસાદમાં ધોવાઇ તૂટી જતાં જમીનમાં ઉભા દસેક સાગી વૃક્ષો અને કિંમતી જમીનનો વ્યાપક ધોવાણ થતાં નુકશાન પહોંચ્યું છે. આ સાથે જ વઘઇ તાલુકાનાં કાકરદા-ભોંગડીયા વિસ્તારમાં બનેલ ચેકડેમો પણ ઠેર ઠેર લીકેજ થવા સાથે ધોવાણ થઇ તૂટી જતાં સરકારી કરોડો રૂપિયાની યોજના આદિવાસી ખેડૂતોને બીનઉપયોગી સાબીત થવા પામી છે.
વઘઇ તાલુકાનાં માનમોડી ગામ પાસે બનેલ ચેકડેમની કી વોલ ધોવાઇ તૂટી જતાં બાજુની જમીનનું વ્યાપક ધોવાણ થઇ નુકસાન થયેલ નજરે પડે છે. તસવીર-પાંડુ ચૌધરી
મીલીભગતમાં ભારે ભષ્ટ્રાચાર આચરવામાં આવ્યો છે
ડાંગમાં સિંચાઇ-વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા મહત્તમ ચેકડેમોમાં ઇજારદારો અને અધિકારીઓની મીલીભગતમાં ભારે ગેરરીતીઓ સાથે ભષ્ટ્રાચાર આચરવામાં આવ્યો છે. જે બાબતે આ તમામ ચેકડેમોની વિજીલન્સ તપાસની માંગ કરી કસુરવારો સામે પગલાં ભરવા રજૂઆતો કરાશે.હરીશભાઇ બચ્છા, ઉપપ્રમુખ જિલ્લા પંચાયત ડાંગ
સરવે કરી કામગીરી કરવામાં આવશે
હાલ ડાંગમાં ચોમાસુ પૂર્ણ થયું છે. જેથી ચોમાસા દરમિયાન ડેમેજ થયેલા ચેકડેમોનાં સર્વે હાથ ધરી તૂટી ગયેલા ચેકડેમોને મરામત કરવા કામગીરી હાથ ધરાશે.આર.એમ.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગ વઘઇ