ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઘોઘલી ગામના ગ્રાઉન્ડ ખાતે થયું હતું. ઉદ્દઘાટન સમારોહમાં ડાંગ જિલ્લા પંચાયતના માન.પ્રમુખ મંગળભાઇ ગાવિત, ડાંગ જિલ્લાના માન.ધારાસભ્ય વિજયભાઈ આર. પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના માન. અધ્યક્ષા નીલમબેન ચૌધરી,સામાજિક અગ્રણી સિદ્ધાર્થભાઈ, માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારા સાહેબ તથા જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદાર મિત્રો એ હાજરી આપી હતી. જેમાં ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા સૌ શિક્ષકોને ઉત્સાહભેર ક્રિકેટની રમતનો આનંદ લઇ આ કૌશલ્ય જિલ્લાના સૌ બાળકોમાં પણ કેળવાય એ માટે પ્રયત્નો કરવા માટે આહ્વાન કર્યું હતું અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમામ શિક્ષકો ડાંગ જિલ્લાના જ હોય “રમશે ડાંગ જીતશે ડાંગ” નું સુત્ર આપ્યું હતું. સૌ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. ટૂર્નામેન્ટમાં ત્રણેય તાલુકાની બે ટીમોએ ભાગ લીધો હતો જેમાં સેમીફાઇનલમાં આહવા તાલુકાની ટીમ-એ અને સુબીર તાલુકાની ટીમ-એ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં સુબીરની જીત થઈ હતી. ત્યારબાદ ફાઇનલમાં આહવા અને સુબીર ટીમ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં સુબીર તાલુકાની ભવ્ય જીત થઇ હતી.
રનર્સઅપ ટીમ આહવાના ખેલાડીઓએ પણ ખેલદિલીથી રમત રમી હતી અને છેલ્લા બોલ સુધી જીતની આશા સાથે રમત રમી હતી. સૌ ખેલાડી સાથે રનર્સઅપની ટ્રોફી શિક્ષણ સમિતીના અધ્યક્ષના હસ્તે સ્વીકારી હતી. મેન ઓફ ધ મેચ મિતુલભાઈ પટેલ (મહાલ) બેસ્ટ બોલર ધર્મેશભાઈ ટંડેલ (પીપલદહાડ)બેસ્ટ બેટ્સમેન મિતેશભાઈ ટડેલ (ખાંભલા)ને મળી હતી. આમ સુબીર તાલુકાના તમામ શિક્ષક ખેલાડી મિત્રોએ ખુબ સરસ ગ્રાઉન્ડ પર પ્રદર્શન કરી સુબીર તાલુકાને ભવ્ય જીત અપાવી હતી. સુબીર તાલુકાની બન્ને ટીમના કેપ્ટન મિતેશભાઈ ટંડેલ(ખાંભલા) અને નરેશભાઈ ગાવીત (પીપલદહાડ) દ્વારા રમત દરમ્યાન કુનેહપૂર્વક રમતના નિર્ણય લઈ સૌ ખેલાડીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શામજીભાઈ એમ પવાર અને મહામંત્રી જયરાજ પરમાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નીલમબેન ચૌધરી ક્રિકેટ ટુર્નામેન્ટના શરૂઆતમાં ઉદ્દઘાટન વિધિ દરમિયાન અને અંતમાં ટ્રોફી એનાયત સમયે પણ હાજર રહી ફાઇનલ અને સેમીફાઇનલ બંને મેચો નિહાળી સૌ ખેલાડીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અંતે ટ્રોફી એનાયત બાદ શિક્ષણ સમિતિના ચેરમેન નીલમબેન અને સિદ્ધાર્થ ભાઈએ સુબીર તાલુકાના સૌ શિક્ષક ખેલાડી મિત્રો અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નવનીતભાઈ પટેલ, બી.આર.સી કૉ.ઓ.પરિમલ પરમાર તથા તમામ સુબીર તાલુકાના શિક્ષક ભાઈ બહેનોએ ઘણા સમય પછી સુબીર તાલુકાની ટીમ ફાઈનલ વિજેતા થતા ઉત્સાહભેર ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આહવા તાલુકાની રનર્સઅપ ટીમ સુબીર તાલુકાની ફાઇનલ વિજેતા ટીમ અને ભાગ લેનાર ત્રણે તાલુકાના ખેલાડી મિત્રોને રાજય પ્રાથમિક શિક્ષક સંઘના આંતરિક ઓડિટર રણજીતભાઈ પટેલ તથા મહિલા મંત્રી મીનાક્ષીબેન પટેલે પણ અભિનંદન પાઠવ્યા હતા.
ડાંગ જિલ્લા શિક્ષક સંઘની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુબીર તાલુકો ફાઇનલ વિજેતા બન્યો.
Advertisement