સંઘપ્રદેશ દમણમાં દરિયા કિનારે ફરવા આવેલા વાપીના 2 યુવકો દરિયામાં ન્હાતી વખતે ડૂબતા તેને સ્થાનિક માછીમારોની ટીમ અને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી ઉગારી લીધા બાદ હાલમાં ચોમાસામાં અન્ય કોઈ ઘટના ના બને તે માટે જિલ્લા કલેકટર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973 ની કલમ 144 હેઠળ દરિયા કિનારે કોઈપણ સાહેલાણીને ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જિલ્લા કલેકટર તપસ્યા રાઘવે બહાર પાડેલ આદેશ મુજબ દમણ પ્રવાસન સ્થળ હોય અહીં આવતા પ્રવાસીઓ, વિદેશીઓ અને નજીકના ગુજરાત રાજ્યના તેમજ સ્થાનિક લોકો દમણ જિલ્લાના તમામ દરિયાકિનારા પર સાહેલગાહે આવે છે. અહીં પ્રવાસીઓ સાહેલગાહ સાથે દરિયામાં તરવાની અને ન્હાવાની મોજ માણે છે. દમણમાં ખાસ કરીને મોટી દમણ બીચ, જામપોર બીચ, નાની દમણ બીચ અને દેવકા બીચ પર આવતા પ્રવાસીઓ ક્યારેક તરવા અને નહાવાનું સાહસ કરી દરિયામાં ઊંડે સુધી જતા રહે છે. એમાં પણ ચોમાસાની ઋતુમાં દરિયો તોફાની બનતો હોય તેનાથી અજાણ પ્રવાસીઓની જાનહાનિ થવાની સંભાવના છે. જેથી, ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973, (1974 ના નંબર 2) ની કલમ 144 હેઠળ સત્તાનો ઉપયોગ કરીને કલેકટર તપસ્યા રાઘવે, હાલમાં ચોમાસા દરમ્યાન પ્રવાસીઓને દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
દમણ દરિયા કિનારે 2 યુવકોને ડૂબતા રેસ્કયુ કર્યા બાદ દરિયા કિનારે પ્રવાસીઓને ન્હાવા પર જિલ્લા કલેકટરે પ્રતિબંધ લગાવ્યો.
Advertisement