યાત્રાધામ ડાકોર ફરી એક વખત વિવાદમાં ઘેરાયું છે. ડાકોરમાં નીજ મંદિરમાં પ્રવેશને લઈને અનેક વખત વિવાદો થતા હોય છે. ઘણા સમયથી ડાકોર મંદિરમાં સામાન્ય વ્યક્તિઓ માટે નીજ મંદિરમાં પ્રવેશ માટે બંધ છે. ત્યારે અનેક વખત કોઈને કોઈ દ્વારા આ નીયમનો ભંગ થતો હોવાથી ભાવિક ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે.
ત્યારે મંદિરના પૂર્વ સેવક પ્રતિનિધિએ પોલીસમાં અરજી કરી છે. ડાકોરના પૂર્વ સેવક પ્રતિનિધિ કમલેશભાઇ સેવકે પોલીસમાં કરેલ અરજીમાં આક્ષેપ કર્યો છે કે જળયાત્રાના દિવસે કેટલાક વ્યક્તિઓ નિજ મંદિરમાં પ્રવેશ કરી મર્યાદાનો ભંગ કર્યો છે. આ અનઅધિકૃત લોકોને નીજ મંદિર પ્રવેશ માટે મેનેજરની ઓફિસથી જ ચીટ્ઠી પહોંચી હોવાનો પણ આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.
ડાકોરમાં ઘણા સમયથી ભાવિક ભક્તો તેમજ સેવક પુજારી સિવાયના અન્ય લોકોને નીજ મંદિર પ્રવેશ પ્રતિબંધ છે. જેના કારણે રાજ્ય કે રાજ્ય બહારથી આવતા વીવીઆઈપી વ્યક્તિઓને પણ નીજ મંદિર બહારથી જ દર્શન મળે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ વ્યક્તિ દ્વારા નીજ મંદિર પ્રવેશ કરી ભગવાનની મુર્તી સુધી પહોંચી જતા હોવાના વારંવાર વિવાદ સર્જાય છે.