ગુજરાતમાં માનવતા મરી પરવારી હોય તેવા કિસ્સા ડગલેને પગલે મળી રહ્યાં છે. મહિલાઓની ઈજ્જત સરેઆમ નિલામ થતી હોય હવે એ દિવસો પણ જોવા મળી રહ્યાં છે. દાહોદ જિલ્લામાં મહિલા પર અમાનુષી અત્યાચારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં મહિલાને નગ્ન કરીને માર મારવામાં આવ્યો છે. એટલુ જ નહિ, એક પુરુષ મહિલાના શરીર પર ચઢેલો દેખાય છે.
માનવતાને પણ શરમાવે તેવો હચમચાવી દેનારો કિસ્સો છે. જોકે, વાયરલ થયેલા આ વીડિયોના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા છે. ઘટનાને પગલે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં મહિલા અત્યાચારના આવા દિવસો પણ જોવા મળી રહ્યાં છે. આ વીડિયો દાહોદના ધાનપુર તાલુકાનો છે. જેમાં ધાનપુર તાલુકામાં 23 વર્ષીય મહિલાના લગ્ન 5 વર્ષ પહેલા દિનેશ નામના યુવક સાથે થયા હતા. તેમને સંતાનમાં એક દીકરી પણ છે. આ મહિલાને ધાનપુર તાલુકાના અન્ય એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. બંને પરિવારથી છુપાઈ છુપાઈને મળતા હતા. પરંતુ અન્ય યુવક સાથેના પ્રેમ સંબંધનાં તેને તાલિબાની સજા અપાશે તેવુ તેણે સપનામાં ય વિચાર્યુ ન હતું. પ્રેમ કરવો ગુનો નથી, પણ મહિલાની આ વાતનો ગુનો સમજીને જાહેરમાં તેની આબરુને નિલામ કરાઈ હતી.
તેના પતિએ જાહેરમાં તેના પર અમાનુષી અત્યાચાર કર્યો હતો. દિનેશ પોતાના પત્નીના ખભા પર ચઢી ગયો હતો અને તેને ગામમાં ફેરવી હતી. તેના આ કામમાં તેના નાના ભાઈએ પણ તેને સાથ આપ્યો હતો. તેનો નાનો ભાઈએ મા સમાન ભાભીના કપડા ખેંચ્યા હતા. જાહેરમાં લોકોની સામે શારીરિક છેડતી કરી હતી. આ સજામાં મહિલાના સાસરી પક્ષના તમામ લોકો સામેલ થયા હતા.
મહિલાને જમીન પર પટકીને માર મારવામાં આવ્યો હતો. ત્યાં ઉભેલા લોકોએ પોતાના મોબાઈલમાં આ વીડિયો બનાવ્યો હતો. જે બાદમાં વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ હતી. ધાનપુર પોલીસે માણસો અને ગામની ઓળખ કર્યા બાદ પોલીસ સીધી જ યુવતીની સાસરીમાં ધસી ગઇ હતી.
યુવતીની ફરિયાદના આધારે અત્યાચાર આચરનારા તેના સાસરી પક્ષના 19 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. 11 લોકોની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને ધાનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદમાં બનેલી ઘટનાના પગલે આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગંભીર નોંધ લેવામાં આવી હતી. દાહોદની ઘટના ઉપર તાત્કાલિક અસરથી ઉચ્ચસ્તરીય બેઠક રાજ્ય સરકારે બોલાવી હતી.