કોરોના સંક્રમણ સામે નાગરિકોને મળી રહેલી આરોગ્યની સુવિધાની સમીક્ષા કરવા માટે મંગળવારે દાહોદ આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપેલી સૂચનાની જિલ્લા વહીવટીતંત્રએ ગણતરીની કલાકોમાં જ અમલવારી કરી ઝાયડસ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે સિટીસ્કેનની સુવિધા શરૂ કરાવી દીધી છે.
કલેક્ટર વિજય ખરાડીએ ઉક્ત બાબતની માહિતી આપતા જણાવ્યું કે, ઝાયડસ હોસ્પિટલમાં સિટીસ્કેનની સુવિધા શરૂ દેવાઇ છે. રાજ્યની અન્ય સરકારી સિવિલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં રાજ્ય સરકાર દ્વારા સિટીસ્કેનના જે દરો નિયત કરવામાં આવ્યા છે, તે જ ચાર્જ પ્રમાણે અહીં નાગરિકો સિટીસ્કેન કરાવી શકશે.
ઝાયડસના ડો. સંજીવ કુમારે જણાવ્યું કે, આ સુવિધાનો પ્રારંભ થતાંની સાથે જ આજ બુધવારના સવારના પાંચ વ્યક્તિના સિટીસ્કેન કરવામાં આવ્યા હતા. કોરોનાના કેસમાં ફેંફસામાં ઇન્ફેક્શનની તપાસ માટે કરાતા એચઆરટીસી માત્ર રૂ. ૧૮૦૦ની દરે અહીં કરવામાં આવશે. આ સુવિધા શરૂ થતાં નાગરિકોને રાહત થશે.
દાહોદ રાજુ સોલંકી