કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્રની સજ્જતાની જાત માહિતી મેળવવા માટેના ઉપક્રમ અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આજે દાહોદ પહોંચ્યા હતા. તેમણે અહીં જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી આગામી સપ્તાહમાં ૩૦૦ પથારીની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારી અને જિલ્લામાં ૧૦૦ વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે. એટલે, દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની ૩૦૦ પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે. વધુમા ઉમેર્યુ કે સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૫, ૨૬ અને ૨૭ ના રોજ મોટા પ્રમાણમાં લગ્નગાળો છે. તેમાં કોવિડની એસઓપીનું પાલન થાય તે જોવાની જેતે વિસ્તારના પોલીસ સ્ટેશનને જવાબદારી સોંપવામાં આવી છે. જો લગ્નમાં નિયત કરતા વધુ ભીડ જોવા મળશે, તો જવાબદાર પોલીસ અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી, ગ્રામ્ય કક્ષાએ સેવા આપતા તબીબો પણ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરે તેવી કાર્યવાહી કરવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે. વિજયભાઇ રૂપાણીએ બેઠકમાં જિલ્લાની કોવીડ પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે વિગતે સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીને જિલ્લામાં ડેડીકેટેડ હોસ્પીટલ્સ, બેડસની ઉપલબ્ધતા, રેમડેસિવિર ઇન્જેક્શન, એન્ટીજન ટેસ્ટ કીટ, લોજીસ્ટીક્સ સહિતની તમામ બાબતો અંગે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી સમક્ષ જિલ્લાની કોવીડ સ્થિતિ અંગે સ્પષ્ટ અને સર્વગ્રાહી ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
દાહોદ,રાજુ સોલંકી
દાહોદ : CM વિજયભાઈ રૂપાણી અને DYCM નીતીન પટેલે કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
Advertisement