ભરૂચમાં DFC રેલવે ગુડ્સ પ્રોજેકટની સાઇટ પરથી રૂ. 45 લાખની ચોરીમાં ઝડપાયેલ પંજાબી ગેંગે ગુનાને અંજામ આપતા પહેલા નશીલી દવાઓનું સેવન કર્યું હોવાનું ખુલતા વગર પ્રિસ્ક્રિપ્શને નશીલી ટેબ્લેટનું વેચાણ કરતી 5 દવાની દુકાનો દરોડામાં ઝડપાઈ છે.
પંજાબી ગેંગના આરોપીઓની પૂછપરછ દરમિયાન ક્રાઇમ આચરતી વખતે ટેબલેટનું સેવન કરી ગુનાને અંજામ આપતા હોવાનું ખુલ્યું હતું. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા દહેજ વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર ઉપર ટેબલેટનું ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરતા મેડીકલ સ્ટોરના માલિકો સામે કાર્યવાહી કરવા સુચના અપાઈ હતી.
LCB PI ઉત્સવ બારોટ, SOG પી.આઇ. આનંદ ચૌધરીના માર્ગદર્શન મુજબ અલગ – અલગ ટીમો બનાવી, ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સી.એન.કળથીયા તથા કે.પી.વારલેકરને સાથે રાખી પ્રિસ્ક્રિપ્શન વગર નશીલી ટેબલેટ ખરીદ કરવા માટે ડમી ગ્રાહકો ઉભા કરાયા હતા.
દહેજ વિસ્તારમાં આવેલ અલગ – અલગ 20 જેટલી મેડીકલ સ્ટરોર ઉપર “SEMDX – PLUS” ટેબલેટ ખરીદી કરવા મોકલતાં 5 મેડિકલ સ્ટોર ફાર્મસીસ્ટની પણ ગેરહાજરીમાં નશીલી દવા આપતા ઝડપાઇ ગયા હતા. જેમાં (1) ન્યુ મા મેડીકલ સ્ટોર, શોપ નંબર ૫, ઋષિરૂપ કોમ્પલેક્સ દહેજ ચોકડી, તા. વાગરા જી. ભરૂચ (2) ભાવના મેડીકલ એન્ડ જનરોલ સ્ટોર, શોપ નંબર 6 અને 7, શાલીગ્રામ કોમ્પલેક્સ પોસ્ટ જોલવા તા. વાગરા જી. ભરૂચ (3) જય ગાયત્રી મેડીલીંક, ભૃગુ કોમ્પલેક્સ રહીયાદ, તા. વાગરા જી. ભરૂચ (4) જય ગાયત્રી મેડીસીન્સ, દુકાન નંબર 1, જાગેશ્વર તા. વાગરા જી. ભરૂચ (5) ગજાનંદ મેડીકલ સ્ટોર, દુકાન નંબર ર, ભેસલી, તા. વાગરા જી. ભરૂચનો સમાવેશ થાય છે. જેઓના મેડિકલને સીલ મારવાની કવાયત હાથ ધરાઈ છે. ભરૂચ SP ઓફીસ ખાતે DYSP આર.આર.સરવૈયાએ પત્રકાર પરિષદ યોજી જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર સંચાલકોને પ્રિસ્ક્રિપ્શન વગર નશીલી દવાઓનું વેચાણ નહિ કરવા તાકીદ કરી છે.