સામાન્ય રીતે ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ આજે પણ જે તે સ્થાનો પર નશાનો વેપલો ક્યાંક ખુલ્લેઆમ તો ક્યાંક છુપી રીતે ધમધમતો હોય છે, પોલીસ વિભાગ દ્વારા પણ વર્ષના અંત સુધીમાં તો કરોડો રૂપિયાની કિંમતનો દારૂ ઝડપી પાડવામાં આવતો હોય છે, તેવામાં વધુ એક બેફામ બનેલો બુટલેગર દહેજ મરીન પોલીસને હાથે ઝડપાયો છે.
દહેજ મરીન પોલીસ સ્ટેશનના કર્મીઓએ બાતમીના આધારે લખીગામ ખાતે રહેતો સંજય ઉર્ફે માળી લક્ષ્મણ ભાઈ ગોહિલ અદાણી કંપનીથી લખા દાદાના મંદિર તરફ પોતાની ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઇ જતો હતો તે દરમિયાન પોલીસ વોચ ગોઠવી તેને રસ્તામાં જ રોકી ગાડીની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં શરાબની બોટલોના બોક્સ મળી આવતા પોલીસે સંજય ઉર્ફે માળી લક્ષ્મણભાઈ ગોહિલની ધરપકડ કરી મામલે કિરણસિંહ બળવંત સિંહ રાજ રહે,ઉચ્છદ તા. જંબુસર નાઓને વોન્ટેડ જાહેર કર્યો હતો.
દહેજ મરીન પોલીસે પાડેલા દરોડામાં ૧.૫૦ લાખ ઉપરાંતનો શરાબનો જથ્થો એક ફોરવ્હીલ કાર સહિત કુલ ૬,૭૨,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, મહત્વની બાબત છે કે આટલી મોટી માત્રમાં જિલ્લામાં શરાબનો જથ્થો પહોંચાડનાર તત્વો આખરે કોણ છે, તેમજ જિલ્લામાં આજે પણ કેટલાક સ્થળ પર બુટલેગરો બેફામ બન્યા છે તેવા નશાના વેપલા ચલાવતા તત્વો પર કોના આશીર્વાદ છે તે તમામ બાબતો પણ આજકાલ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે, ત્યારે આશા રાખીએ કે નશાનો વેપલો ધમધમાવતા તત્વોના આકાઓને પણ પોલીસ વિભાગ વહેલી તકે કાયદાના પાઠ ભણાવશે તેવી લોક માંગ ઉઠી છે.
હારુન પટેલ : ભરૂચ
મો.99252 22744