ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઘોઘા દહેજ વચ્ચે પ્રથમ તબ્બકાના રો રો ફેરી સર્વિસના લોકાર્પણ બાદ ગતરોજ ઘોઘા ખાતે બીજા ચરણની રો-પેક્સ સર્વિસને ફ્લેગ ઓફ આપ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી વોયેજ સિન્ફોની કાર્ગો શિપમાં સવાર થઈ ભરૂચના દહેજ ટર્મિનલ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રાન્સપોર્ટર્સ એસોસીએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ઉપયોગ કરી દરિયાઈ વાહન વ્યવહારને ઉત્તેજન આપી ફાસ્ટટ્રેક ટ્રાન્સપોર્ટેશનથી ઇંધણ, નાણાં તેમજ સમયની બચત થશે. રો-રો અને રો-પેક્સ ફેરી સર્વિસના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું સડક માર્ગનું ૧૨ કલાક જેટલું અંતર ઘટીને ફક્ત દોઢ કલાક થઈ જશે જેના કારણે મુસાફરોને સારી એવી રાહત પણ થઈ રહેશે.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન સુનયના તોમર, શિક્ષણ મંત્રી વિભાવરી દવે, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ મોટી સંખ્યામાં દહેજ-ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ ઝોનના પ્રતિનિધિઓે તથા ટ્રાન્સપોર્ટ એસોસીએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.