ગત સોમવારના રોજ રાત્રિના સમયે દહેજમાં આવેલી એસઆરએફ કંપનીમાં પ્લાન્ટ નંબર 2 માં સલ્ફ્યુરિક એસિડની ટેન્કમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઇ કારણસર પ્રેસર વધી જતાં ટેન્ક ફાટી હતી. જેમાં વાગરાના ઝૂબેર રાણા સહિત રાજેન્દ્ર પરમાર તેમજ ગુપ્તા પ્રસાદ નામના ત્રણ કામદારોને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.
જેમાં જુબેર રાણાનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે હોસ્પિટલ સામે મોડી રાત્રે પરિવાર-સ્વજનોના ટોળાં ઉમટ્યાં હતાં. કંપનીએ તેમને ઘટના અંગે મોડેથી જાણ કરી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. દહેજ પંથકમાં છાસવારે બ્લાસ્ટ થવાની અને આગ લાગવાની ઘટનાઓ બને છે ત્યારે આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે કડક પગલાં ભરવામાં આવે તેમજ આવી ઘટનાઓ બનતી અટકે તે માટે પણ જરૂરી પગલા ભરાય તેવી માંગ કરી હતી.
જોકે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સહિતના આગેવાનોએ મધ્યસ્થી થઇ કંપની સાથે ચર્ચા કરતાં કંપનીએ આખરે મૃતકના પરિવારને મળવાપાત્ર અન્ય રકમ સિવાય વધુની 40 લાખની સહાય કરવારની જાહેરાત કરી હતી. કંપનીના P-2 પ્લાન્ટમાં પહેલાં માળે સલ્ફ્યુરિક એસિડની રાસાયણિક પ્રક્રિયા વેળાં પ્રેશર વધવાથી ટેન્ક ફાટી હતી. લિકેજ થયેલું એસિડ નીચે કામ કરતાં કામદારો પર પડતાં દુર્ઘટના સર્જાઇ હતી.
હાલમાં કંપનીમાં બનેલી ઘટનાને પગલે કંપનીના P-2 પ્લાન્ટને ક્લોઝરની નોટીસ ફટકારી છે. તપાસમાં કંપની કસુરવાર જણાશે તો કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરાશે.