દહેજ સ્થિત વેલસ્પન કંપની દ્વારા કામદારોની અચાનક બદલી કરી દેવામાં આવતા કર્મચારીઓમા હડકંપ મચી જવા પામી હતી. અગાઉ કંપનીના 120 જેટલા અધિકારી કક્ષાના કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ક મેન કક્ષાના 400 જેટલા કામદારોને તા. 18 જૂનના રોજ વર્ક ટુ હોમના આદેશ કરવામાં આવ્યા હતા અને બે જ દિવસમાં તેઓને ઘરે ટપાલ મારફતે કચ્છના અંજાર સ્થિત પ્લાન્ટમાં બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે.
400 જેટલા કર્મચારીઓનું ભાવી જોખમમાં મુકાતા આજે કર્મચારીઓ ઓર્ડરની કોપી સાથે એકત્રિત થયા હતા અને કોપી ફાડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે આજરોજ કર્મચારીઓ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડીયા સમક્ષ થઇ રહેલ હાલાકીને પ્રશ્ને રજુઆત કરવામા આવી હતી. 400 કર્મચારી સહિત એક પગે 22 વર્ષથી ઈમાનદારીપૂર્વાક કામ કરતાં કર્મચારીએ કંપની સમયગાળામાં પગ ગુમાવ્યો હતો અને કંપની દ્વારા અંજાર મુકામે તેમની બદલી કરવામાં આવી હતી જેઓ કંપનીના આધારે જીવી રહ્યા છે તે કંપની દ્વારા બદલી કરતાં ભીખ માંગવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વર્ષોથી અહી ફરજ બજાવતા અનેક કર્મચારીઓના ટ્રાન્સફર ઓર્ડર આવતા કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે અને આગામી દિવસમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સમક્ષ રજૂઆત કરશે અને જો તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવે તો પોતાના પરિવારજનો સાથે દહેજની વેલસ્પન કંપનીની ગેટની બહાર ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં હાલ કોરોના કાળ દરમિયાન અચાનક કર્મચારીઓની બદલી કરાતા કંપની મેનેજમેન્ટ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. નફો કરતો અહીનો પ્લાન્ટ અચાનક બંધ કરી શું મેનેજમેન્ટ કંપનીને તાળા મારવા ઈચ્છે છે કે કેમ તે પ્રશ્ન છે. ત્યારે હાલ તો આ તમામ કર્મચારીઓનું ભાવી અદ્ધરતાલ જોવા મળી રહ્યું છે. તેવામાં સ્થાનિક આગેવાનોએ આગળ આવી આ કર્મચારીઓના પ્રશ્નનું નિરાકરણ લાવવું અનિવાર્ય જણાઈ રહ્યું છે.
કામદારોને બદલીના ઓર્ડર આપ્યા છે તે વાત સાચી છે. હાલ કંપની પાસે સ્ટીલ પાઈપના કોઈ ઓર્ડર નથી અને નજીકના ભવિષ્યમાં મળે તેમ નથી. એટલે ઉત્પાદન પ્રક્રિયા પણ બંધ છે. જેને લઈ કામદારોની નોકરી બચાવવા બદલીના ઓર્ડર અપાયા છે. મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરી યોગ્ય નિર્ણય લેવા પ્રયાસો કરીશું. વેલસ્પન કંપનીમાં પાંચ છ મહિના બાદ ઓર્ડર આવતા ઉત્પાદન શરૂ કરાયું હતું. તો આ વખતે બદલીનો નિર્ણય શા માટે ? મેનેજમેન્ટે કામદારોની બદલી રદ કરી તેમને કાયમી રાખવા જોઈએ. ઓર્ડર આવે ત્યારે કંપની ચાલુ રાખવી જોઈએ તેવી માંગ કરવામા આવી હતી.
રિધ્ધી પંચાલ, ભરુચ.