દહેજ સ્થિત બિરલા કોપર કંપનીમાં એક કામદારના અપમૃત્યુ અંગેની ધટનાએ અનેક શંકા કુશંકા ઉભી કરી છે. કહેવાય છે કે કંપની સત્તાધીશો મૃતકની લાશને સગેવગે કરવાની પેરવીમાં હતા જોકે ગ્રામજનોની સતર્કતા અને હોબાળાને પગલે કંપની સત્તાધીશોએ પાછીપાની કરવી પડી હતી. દહેજ ઔદ્યોગિક વસાહતની બિરલા કોપર કંપનીમાં કોઈ મોટા વાહનની અડફેટે આવી જતા સ્થાનિક એક કામદારનું મોત નિપજવા પામ્યું હતું. કામદારના અકસ્માત અંગેની જાણ થતા કંપનીના અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા અને મૃતકની લાશને સગેવગે કરવાના ષડયંત્રમાં લાગી પડયા હોવાનું ચર્ચાય રહ્યું છે. આજરોજ સવારે બિરલા કોપર કંપનીમાં ફરજ બજાવતા સ્થાનિક રહીશ એવા કામદાર ચિરાગ ફતેસિંહ ગોહીલ (ઉંમર વર્ષ 22 રહેવાસી તવરા) નું મોટા વાહનની અડફેટે આવી જતાં કંપનીમાં મોત નીપજ્યું હતું.
બિરલા કોપર કંપનીમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાકટ હેઠળ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ચિરાગ ગોહિલના મોતને પગલે કંપનીના કહેવાતા જવાબદાર અધિકારીઓ જાણે ગુનાહિત માનસ ધરાવતા ન હોય તેમ મૃતકના મૃતદેહને સગેવગે કરવા અન્ય સ્થળે લઇ ગયા હોવાનું કહેવાય રહ્યું છે. જોકે આ ગાળા દરમિયાન ગ્રામજનો તેમજ મૃતકના પરિવારજનોને જાણ થતાં લોકટોળું કંપની ગેટ ખાતે દોડી ગયું હતું. સ્થાનિકોના હોબાળાને કારણે કંપનીના અધિકારીઓએ પીછેહઠ કરી હતી અને મૃતકના મૃતદેહને પુનઃ ધટના સ્થળે લઇ ગયા હતા અને મૃતદેહને એક એમ્બ્યુલન્સમાં મૂકી રાખ્યો હતો. દરમિયાન આ અંગે પોલીસને જાણ કરાતા દહેજ પોલીસ પણ ધટનાસ્થળે દોડી ગઇ હતી અને પંચનામા સહિતની કામગીરી હાથ ધરી હતી. જોકે પોલીસની કાર્યવાહી સામે પણ ગ્રામજનોએ પ્રશ્નાર્થો ખડા કર્યા હતા. પોલીસે પંચનામું કરતી હતી ત્યારે મૃતદેહને અકસ્માત સર્જનાર વાહન ઘટનાસ્થળે હતું કે કેમ તે અંગે કોઇ ખુલાસો જોવા મળ્યો ન હતો, કંપની સત્તાધીશો દ્વારા ઘટના સ્થળેથી મૃતદેહ હટાવી અન્ય જગ્યાએ ખસેડવા પાછળનો ઇરાદો શું તે મોટી શંકા કુશંકા ઉપજાવી જાય છે તેમ ગ્રામજનો કહેતા સંભરાય રહ્યા હતા. કંપની સત્તાધીશો કંપની ખાતે પહોંચેલા પરિવારજનોની માંગણી સ્વીકારી મામલો રફેદફે કરવાના મુડમાં જોવા મળી હતી.આ ઘટનામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ બિરલા કોપર કંપનીના સત્તાધીશોએ ઘટના બાદ જે રીતે મૃતદેહને સગેવગે કરવાની કોશિશ કરી તે બાદ આ ઘટનામાં પોલીસ તંત્ર ઝીણવટ ભરી તપાસ આદરે, ખાસ કરીને કંપનીના ઇન અને આઉટ રજીસ્ટરની એન્ટ્રી તેમજ જે તે સમયે આ ઘટના બની તે સમયે ઘટનાસ્થળે હાજર અન્ય કામદારોના નિવેદન ગંભીરતા પૂર્વક લે, સાથોસાથ ઘટનાસ્થળની ફોટોગ્રાફી ઉપરાંત મૃતકના મોબાઈલની ડીટેલની જાંચ કરે તો સાચી હકીકત બહાર આવે તેવી લાગણી ગ્રામજનોએ વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ તો કંપની સત્તાધીશોની બેજવાબદાર હરકત સામે શંકા જન્માવી રહ્યા છે. ગ્રામજનો એ તો એટલે સુધી જણાવતા હતા કે ખરેખર તો સમગ્ર ઘટના બાદ કંપની સત્તાધીશો ભીનું સંકેલવાની લ્હાયમાં ગુનાહિત કૃત્ય કરી બેઠા છે, હવે જો પોલીસ નિષ્ઠાપૂર્વક ન્યાયિક તપાસ કરે તો આ ધટના આકસ્મિક હતી કે કેમ તેનું રહસ્ય બહાર આવી શકે તેમ છે. વધુમાં ઘટના બાદ કામદાર સંગઠનોના નેતા અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં કંપની સત્તાધીશોએ મૃતકના પરિવારજનોની માંગનો સ્વીકાર કર્યો હતો. ત્યારે ૨૨ વર્ષીય જુવાનજોધ કામદારના મૃત્યુની ઘટનામાં કંપની સત્તાધીશો સામે ન્યાયિક તપાસ હાથ ધરાઇ અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર મળે તેમ જ ન્યાય મળે તે જરૂરી છે. કહેવાય છે કે આમેય ભૂતકાળમાં દહેજની બિરલા કોપર કંપનીના સત્તાધીશોએ કામદારોના ફરજ દરમિયાન થયેલા મોતના કિસ્સાઓમાં અમાનવીય વલણ દાખવ્યું હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા.
દહેજ સ્થિત બિરલા કોપર કંપનીમાં એક કામદારના અપમૃત્યુ અંગેની ધટનાએ અનેક શંકા કુશંકા ઉભી કરી છે…?
Advertisement