ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઘોઘા દહેજ વચ્ચે પ્રથમ તબ્બકાના રો રો ફેરી સર્વિસના લોકાર્પણ બાદ ઘોઘા ખાતે બીજા ચરણની રો-પેક્સ સર્વિસનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ઉપયોગ કરી દરિયાઈ વાહન વ્યવહારને ઉત્તેજન આપી ફાસ્ટટ્રેક ટ્રાન્સપોર્ટેશનથી ઇંધણ, નાણાં તેમજ સમયની બચતના હેતુસર રો-રો અને રો-પેક્સ ફેરી સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું સડક માર્ગનું 12 કલાક જેટલું અંતર ઘટીને ફક્ત દોઢ કલાક થઈ જાય છે જેના કારણે મુસાફરોને નાણાં અને સમયની બચત પણ થઈ રહે છે.
હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ વેકેશનની રજાઓ માણવામાં માટે મોટી સંખ્યામાં મુસાફરો રો-રો ફેરી સર્વિસનો લાભ લઇ રહ્યા છે. ત્યારે આજરોજ બપોરના સમયે ઘોઘા દહેજ રો-રો ફેરીનું જહાજ વોયેજ સિન્ફોની કાર્ગો શિપ દહેજથી ઘોઘા તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન દરિયામાં અધવચ્ચે ઘોઘાથી 3 નોટિકલ માઈલ દૂર કોઈ ટેકનિકલ ક્ષતિના કારણે જહાજ બંધ પડી ગયું હતું. જહાજ બંધ પડતાની સાથે જ જહાજના કેપ્ટન તેમજ ક્રુ મેમ્બર્સ દ્વારા ટેકનિકલ ક્ષતિને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાહનો ભરેલ જહાજમાં લગભગ 461 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ત્યારે ટગ બોટની મદદથી જહાજને ઘોઘા તરફ લઈ જવા પ્રયાસ શરૂ કરી દેતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.