Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના કેસરપુરા ખાતે રૂા.૧૯.૨૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલનું લોકાર્પણ કરાયું

Share

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેસરપુરા ગામે ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા રૂા. ૧૯.૨૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલનું લોકાર્પણ તથા પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે બનાવવામાં આવેલ સરકારી કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ રાજયના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોર ના હસ્તે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિ અને છોટાઉદેપુર સામાજીક ન્યાય અને અધિકારિતા અને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી તથા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રાજય સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની સરાહના કરી હતી. રાજયસરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સફળ પ્રયાસો કરવામાં આવ્યા છે એમ કહી તેમણે રાજયમાં વસતા તમામ સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટે સરકાર દ્વારા ૧૮૦ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે એમ કહ્યું હતું. આ ઉપરાંત તેમણે રાજયમાં વધેલા શિક્ષણના વ્યાપને કારણે આદિવાસી સમાજના યુવાઓ પણ હવે પોતાના સમાજને પ્રગતિના પથ પર આગળ વધારી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બની રહ્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે દેશના પ્રધાનમંત્રીએ બેટી બચાઓ બેટી પઢાઓની જે ઝૂંબેશ ચલાવી છે સાચા અર્થમાં આદિવાસી સમાજે સાર્થક કરી છે એમ તેમણે સદ્રષ્ટાંત સમજ આપી હતી. ડાંગ જીલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી કાજૂની ખેતી કરી આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે જે રાજય સરકાર દ્વારા અમલી યોજનાઓની ફળશ્રુતિ હોવાનું જણાવ્યું હતું. તેમણે મંચ પર ઉપસ્થિત ડૉ. કુબેર ડિંડોરની કાર્યશૈલીની સરાહના કરતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજમાંથી આવતા ડૉ. કુબેરભાઇ ડિંડોર શિક્ષણમંત્રી તરીકે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિના બીજ વાવ્યા છે એમ ઉમેર્યું હતું.

રાજયના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોરે પણ રાજય સરકારની વણથંભી વિકાસયાત્રાનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિકાસની પારાશીશી છે. સરકારે આદિવાસી સમાજ શૈક્ષણિક રીતે વધુ મજબુત થાય એ માટે ટ્રાયબલ એજયુકેશન સોસાયટી મારફત સંપૂર્ણ સરકારી અનુદાનથી ચાલતી ૧૬૦ શાળાઓનું સંચાલન કરે છે તેમજ ૬૬૧ આશ્રમશાળાઓ પણ શિક્ષણની ધુણી ધખાવી રહી છે એમ ઉમેર્યું હતું. તેમણે સરકારના સક્રિય પ્રયાસોને લીધે દર વર્ષે ૧૮૦૦થી ૨૦૦૦ આદિવાસી યુવાઓ ડૉકટર બની રહ્યા છે એમ કહી સરકારની પારદર્શક ભરતી પ્રક્રિયાને કારણે હવે લાગવગ એ જ લાયકાતની જગ્યાએ લાયકાત એ જ લાગવગનું વાતાવરણ નિર્મિત થયું છે એમ જણાવ્યું હતું.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા પ્રાયોજના વહીવટદાર સચિન કુમાર તોમરે કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે સાંસ્કૃતિક કલાવૃંદ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની ઓળખસમા રાઠવા નૃત્યુની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમની આભારવિધિ બોડેલી પ્રાંત મૈત્રીદેવી સિસોદિયાએ આટોપી હતી.

Advertisement

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ટ્રાયફેડના ચેરમેન રામસિંહભાઇ રાઠવા, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, જયંતિભાઇ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેકટર સ્તૂતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, અધિક નિવાસી કલેકટર આર.કે.ભગોરા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઇ રાઠવા, અન્ય પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારી, વાલીઓ અને નસવાડી તાલુકાના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

માંગરોળ સેવા સહકારી મંડળી દ્વારા માંગરોળ તાલુકાની કોસંબા APMC ના ચેરમેન દિલીપસિંહ રાઠોડનુ સન્માન કરાયું

ProudOfGujarat

ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક અને વહીવટી સ્ટાફની ભરતીની માંગ સાથે કલેકટરને અરવલ્લી જીલ્લા શૈક્ષણિક મહાસંઘનું આવેદન

ProudOfGujarat

ભરૂચની મુલદ ચોકડી પાસેનાં ટોલ પ્લાઝા નજીક દ્વિચક્રી વાહનો માટે અલાયદો રસ્તો કરવા માટેની લેખિત અરજી જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!