છોટાઉદેપુર જિલ્લામાં ગતરાત્રિ દરમિયાન સારો વરસાદ થયો હતો.જ્યારે ખરેખર વરસાદની જરુર જણાતી હતી ત્યારે વરસાદનુ પુનઃ આગમન થતા ખેડૂતોમાં ખુશી ફેલાવા પામી છે.વરસાદના અભાવે બિયારણ નિષ્ફળ જવાની દહેશત ડોકાતી હતી,ત્યારે વરસાદનુ આગમન થતા ચોમાસુ ખેતી પરનો ખતરો ટળ્યો છે.ઉપરાંત ઉપરવાસમાં પણ પાછલા બે દિવસો દરમિયાન સારો વરસાદ થતા છોટાઉદેપુર જિલ્લામાંથી વહેતી ઓરસંગ નદી આજે બે કાંઠે વહેતી જોવા મળી હતી.ગતરોજ છોટાઉદેપૂર જિલ્લામાં મોટાભાગે બધા તાલુકાઓમા સારો વરસાદ થયો હોવાની વિગતો સામે આવી છે.જિલ્લામાં તાલુકાવાર વાત કરીએ તો છોટાઉદેપુરમાં ૩૫ mm,પાવી જેતપુરમાં ૩૭ mm,કવાંટમાં ૮ mm, અને બોડેલીમાં ૭ mm જેટલો વરસાદ નોંધાયો હોવાનુ જાણવા મળ્યુ છે.ચોમાસાની શરુઆતે થયેલા વરસાદ બાદ લાંબો વિરામ લીધા બાદ જ્યારે વરસાદનુ આગમન થયુ છે ત્યારે ખેડુતોમાં અનેરી ખુશી દેખાય છે.વરસાદના આગમનથી હવે વાતાવરણમાં વર્તાતો ઉકળાટ પણ ઓછો થશે,ત્યારે ખેડૂતો સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની જનતામાં વરસાદના આગમનથી ખુશી ફેલાવા પામી છે.સારા વરસાદને લઇને ઓરસંગ પરનો નવનિર્મિત ચેકડેમ પણ ઓવરફ્લો થયેલ જોવા મળ્યો હતો.
ફૈજાન ખત્રી.છોટાઉદેપુર…