છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં રાત્રીના સમયે ટ્રેક્ટરો મારફતે ગેરકાયદે રીતે રેતી ખનન થતું હોવાની પ્રજા ફરિયાદ કરી રહી છે. હવે ઓરસંગ નદીમાં રેતી ઓછી અને માત્ર પથરા તથા કાંકરા જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાનું વડું મથક કહેવાય તંત્રના નાક નીચેથી રાત્રીના સમયે રેતીનું ખોદકામ થતું હોય જે અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને રેતી માફિયાઓને લીલાલેર થઈ ગયા છે.
મધ્યપ્રદેશથી નીકળતી ઓરસંગ નદીમાંના પટ્ટમાં ઘણી જગ્યાએ રાત્રીના સમયે મોટી માત્રામાં ગેરકાયદે રેતી ખનન થતું હોય તેવી ફરિયાદો નદીકિનારે વસતા લોકો કરી રહ્યા છે. રાત્રીના સમયે ટ્રેક્ટરની લાઈટો બંધ કરી રેતી ચોરીનો સિલસિલો ચાલી રહ્યો છે જેના પ્રતાપે હવે નદીમાં રેતીની જગ્યાએ પથ્થર અને કાંકરા જોવા મળી રહ્યા છે. જિલ્લાના હેડ ક્વાર્ટર ખાતે આ રેતી ખનન પ્રવૃત્તિ ચાલતી હોય તે ભારે શરમજનક બાબત કહેવાય તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં રાજપૂત ફળીયાના કિનારેથી તથા સામે કિનારેથી નદીમાંથી રાત્રી દરમ્યાન બેરોકટોક રીતે રેતી ખનન પ્રવૃતિઓ ચાલી રહી છે. જેના કારણે કવાંટ તરફ જતા બ્રિજના પાયા દેખાવા લાગ્યા છે અને બ્રિજ ઉપરથી ભારે વાહન પસાર થતા બ્રિજમાં કંપન થતું હોય તેવો અનુભવ પણ થાય છે. ભવિષ્યમાં કોઈ મોટી હોનારત થશે તો જવાબદારી કોન એ પ્રશ્ન છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ગાડી પણ આ બ્રિજ ઉપરથી અવારનવાર પસાર થતી હોય છે. પરંતુ નદીની શું હાલત છે એ જોવામાં કોઈને રસ નથી. સવારમાં તંત્ર દ્વારા રેતી ચોરી અંગે ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ રાત્રીના સમયે કોણ જોવા જાય અને આ કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે એ પ્રજામાં પ્રશ્ન છે.
છોટાઉદેપુર વિસ્તારમાં અલીરાજપુર તરફ જવાના બ્રિજ પાસે તથા કવાંટ તરફ જવાના બ્રિજ પાસે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની લિઝ ફાળવવામાં આવી નથી. પરંતુ ત્યાં ગેરકાયદે ખોદકામ થતું હોય તેમ પ્રજા ફરિયાદ કરી રહી છે. ટ્રેકટરના પૈડાં તથા પડેલા મોટાખાડા તસ્વીરમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. દિવાળી નજીક આવતા કોઈને આ અંગે તપાસ કરવા જવામાં રસ નથી તેમ લાગી રહ્યું છે જેના કારણે રેતી માફિયાઓ બેફામ બન્યા છે.
છોટાઉદેપુર નગરની સામે કિનારે અતિ પૌરાણિક શ્રી જાગનાથ મહાદેવનું મંદિર આવેલ છે. રેતી ખનન પ્રવૃત્તિના કારણે નદીના રેતીના સ્તરમાં ભારે ઘટાડો થતાં આવનાર દિવસોમાં ઓરસંગમાં ઘોડાપૂર આવે તો સામા કિનારે આવેલ મંદિર જેવા ધાર્મિક સ્થળને પણ ભારે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. આ અંગે કાયમી નિકાલ થાય તે માટે નદી કાંઠાના રહીશો માગ કરી રહ્યા છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર