સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટી, છોટાઉદેપુર પોલીસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા અને પ્રજામાં ટ્રાફિક જાગૃતિ અને ભાઇચારાની ભાવના પ્રબળ બને એ માટે ગાબડિયા – પીપલેજ ત્રણ રસ્તેથી મેરેથોન દોડ યોજવામાં આવી હતી.
જિલ્લા પોલીસવડા ધર્મેન્દ્ર શર્માએ લીલીઝંડી બતાવી દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. મહિલા સુરક્ષા, ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે તથા લોકોમાં ભાઇચારાની ભાવના પ્રબળ બને એ માટે યોજાયેલ આ મેરેથોન દોડમાં પોલીસ વિભાગના જવાનો, પોલીસ વિભાગની મહિલાઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ તેમજ નગરજનોએ સેંકડોની સંખ્યામાં ભાગ લીધો હતો. ગાબડિયા – પીપલેજ ત્રણ રસ્તેથી મેરેથોન દોડનો શુભારંભ જિલ્લા પોલીસવડા ધર્મેન્દ્ર શર્માના હસ્તે કરવામાં આવ્યો હતો.
મેરેથોન પૂર્ણ થયા બાદ દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિજેતાઓને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઇ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન મુકેશભાઇ પટેલના હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ મેરેથોન દોડને સફળ બનાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક જે.જી.ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ, પોલીસ ઇન્સપેકટર પટેલ, અન્ય પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર