છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રંગલી ચોકડી ખાતે નવ નિર્મિત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ સંચાલિત કોલેજના શરુ થયેલ નવા અને પ્રથમ સત્રના વિદ્યાર્થીઓને આવકારવાનો કાર્યક્રમ કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઇ રાઠવા તેમજ આચાર્ય વિક્રમભાઈ સોનેરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. પાવીજેતપુર તાલુકાના કલારાણી નજીક આવેલ રંગલી ચોકડી પાસે નવ નિર્મિત કોલેજની શરુઆતના પ્રથમ અને નવા સત્રની શરુઆતે કોલેજમાં પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીઓને આવકારીને કોલેજ પરિવારે તેઓ કોલેજમાં શિક્ષણ મેળવીને ભવિષ્યમાં ભવ્ય સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા આપીને સહુને આવકાર્યા હતા. ઉપરાંત વિધ્યાર્થીઓ પણ અભ્યાસ કાળ દરમિયાન સંસ્થાના નિયમોનું યોગ્ય પાલન કરીને શિસ્તબધ્ધ રીતે એકાગ્રતાપૂર્વક અભ્યાસમાં ધ્યાન આપી કારકીર્દિની ઉચ્ચ મંઝીલ પ્રતિ પ્રયાણ કરે તેવી લાગણી અગ્રણીઓએ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ નવ નિર્મિત કોલેજમાં આર્ટસ (બી.એ.સ્નાતક)તેમજ એમ એસ ડબલ્યુ અને સેનેટરી ઇન્સ્પેક્ટરના કોર્સની તાલિમ આપવામાં આવે છે. નવા અને પ્રથમ સત્રની શરુઆતે કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને રસપૂર્વક કાર્યક્રમને માણ્યો હતો. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર