છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચંદનપુરા ગામની લીલાબેન ભીલ નામની સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા રાતના ૪ વાગે દાદા શાંતિભાઇ રાજપુરા ગામે આશા વર્કર બહેનને બોલાવવા ગયા હતા. આશા બહેન પણ નદીના પાણી ઉતરીને ચંદનપુરા ગામે આવી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી હતી. પરતું ચંદનપૂરા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકી ન હતી, કારણ કે ગામ પેહલા આવતા લો લેવલ કોઝ વે પર પાણી વહેતુ હતુ ઉપરાંત કોઝ વે પર મોટા ખાડા પડેલા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ સગર્ભા મહિલાને ઘરે પહોંચી શકી ન હતી જેને લઈને પ્રસૂતિનો દુખાવો ઉપડેલ સગર્ભા મહિલાને આશા બહેન સાથે તેના પરિવારજનોના સાથથી પગપાળા કોઝવે ઉપરના પાણીમાંથી પસાર કરીને એમ્બ્યુલન્સ સુધી લઇ ગયા હતા. કોઝ વે પર રાતના સાડા ચાર વાગ્યે ટોર્ચનો પ્રકાશ મારીને ખાડામાં ન પડાય તે રીતે પાણીમાં ચાલીને દુખાવો ઉપડેલ પ્રસૂતાને કોઝ વે પસાર કરાવ્યો હતો. આ કપરી ઘડીએ સગર્ભા હિંમત હારી ગયેલ પરતું આશા બહેને તેને હિંમત આપી હતી, અને કોઝવે પાર કરાવીને આગળના રસ્તે ઉભી રહેલ એમ્બ્યુલન્સમાં બેસાડી હતી. સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા એક કિલોમીટર દુર આવેલ દવાખાને પહોંચે તે પહેલા જ સગર્ભાએ એમ્બ્યુલન્સમાં જ બાળકને જન્મ આપ્યો હતો. આઝાદીના લાંબા સમય બાદ પણ અડધી રાત્રે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સાચે જ અંતરિયાળ ગામોએ વસતા આદિવાસી ગ્રામજનોની દયનિય હાલતનો ખયાલ આવે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર
છોટાઉદેપુર : નસવાડીના ચંદનપુરા ગામે સગર્ભાએ કોઝ વે પર ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચવુ પડયુ.
Advertisement