જિલ્લાના માર્ગો પર 2-2 ફૂટના ઊંડા ખાડા પરંતુ તંત્ર દ્વારા તેનું પુરાણ કરાતું નથી
છોટાઉદેપુર જિલ્લામાં પસાર થતાં સ્ટેટ હાઇવે, નેશનલ હાઇવે , ઉપર કે નગરપાલિકા વિસ્તારમાં આવતા રસ્તા ઉપર હોય ભારે વરસાદના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જાહેર માર્ગો ઉપર પડેલા ખાડાને કારણે તંત્રની પોલ પણ ખુલી ગઈ છે. હાલના સમયમાં જિલ્લાના તમામ માર્ગો ઉપર મોટા ખાડા જોવા મળી રહ્યા છે. ઘણી જગ્યાઓ ઉપર 2-2 ફૂટના ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે. પરંતુ તેનું પુરાણ કરવામાં આવતું નથી. છોટાઉદેપુરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે તથા નેશનલ હાઇવે ઉપર 2-2 ફૂટના ઊંડા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે.
મોટા ખાડાને કારણે વાહન ચાલકોને અંદાજ પણ રહેતો નથી કે ખાડો કેટલો ઊંડો હશે અને ખાડામાં પાણી ભરેલા હોય વાહન કૂદી જવાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર જિલ્લાના માર્ગો ઉપર પડેલા મોટા ખાડા ક્યારે પુરાઈ રહેશે એ પ્રશ્ન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ઘણી જગ્યાએ રસ્તા ઉપર પડેલા ખાડાનું તંત્ર દ્વારા પુરાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ તે વધુ સમય રહેતું નથી ધોવાઈ જાય છે અને ફરી વરસાદ પડે ત્યારે ફરી ધોવાઈ જાય છે. છોટાઉદેપુર જિલ્લામાં દર વર્ષે ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર મસમોટા ખાડા પડી જતા હોય છે. પછી લીપાપોઠી કરવામાં આવે છે. તો મજબૂત રસ્તા બનાવવામાં આવે તેમ પ્રજા ઈચ્છી રહી છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર