બોડેલીના બાયપાસ હાઈવે રોડ પર રેલવે ક્રોસિંગ પાસે જાહેર થયેલા ઓવરબ્રિજની કામગીરી બે વર્ષ પછી પણ શરૂ ન થતાં બોડેલી સહિત સમગ્ર જિલ્લાની પ્રજામાં વહીવટી તંત્રની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરીને લઇને નારાજગી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ છોટાઉદેપુર મુકામે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી બોડેલી એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે જ ટ્રેન આવવાની હોવાથી ફાટક બંધ હતી અને વિજય રૂપાણીનો કાફલો ટ્રાફિકમાં અટવાયો હતો . ત્યારે ખબર પડી કે આ સમસ્યા વર્ષો જૂની છે અને લોકમાંગ પણ છે.
ત્યારે જ વિજય રૂપાણીએ છોટાઉદેપુર મુકામે બોડેલીમાં રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે લોકો ખૂબ ખુશ થયા હતા, કેમ કે બંધ ફાટકમાં બંને તરફ ટ્રાફિકમાં લોકો દિવસભર અટવાયા હતા પણ હજી સુધી કામગીરી શરૂ ન થતાં લોકોમાં બારે નારાજગી જોવા મળી છે. હવે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રોજેક્ટ પર વહીવટી તંત્રને કામગીરી માટે ટકોર કરશે કે કેમ તે ચર્ચાનો વિષય છે.
બે વર્ષ અગાઉ જાહેર થયેલા ઓવરબ્રિજનો જોબ નંબર આવ્યો છે અને દિવાળીની આસપાસ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્ય સરકારનું બજેટ આવ્યું હતું પણ રેલવેનું મોડું આવ્યું હતું. હવે આ ઓવરબ્રિજ ફોર લેન બનનાર છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર