છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી રસીકરણની પ્રક્રિયાને જિલ્લાની પ્રજા દ્વારા સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જિલ્લાના 67 ગામોમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંધના સીધા માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર. ચૌધરીના નેતૃત્વમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોને કોરોના વેક્સિન આપી કોરોના સંક્રમણ સામે સુરક્ષા કવચ આપવા માટે કમર કસી છે.
આરોગ્ય વિભાગના કર્મઠ અધિકારી / કર્મચારીઓના પ્રયાસોથી જિલ્લાના 67 ગામોની 100 ટકા રસીકરણની કામગીરી સંપન્ન કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોમાં રસીકરણ પ્રત્યે જાગરૂકતા આવે એ માટેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરતા લોકોમાં જાગૃતપણે રસીકરણની કામગીરીમાં સહભાગી બની રહ્યા છે. જિલ્લાના દુર્ગમ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા અંતરિયાળ ગામોમાં પણ વહીવટીતંત્રના પ્રયાસોથી લોકો સ્વયંભુ રસી લેવા માટે આગળ આવી રહ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ દુરના અંતરિયાળ વિસ્તારમાં જઇ લોકોને રસી લેવા માટે પ્રેરિત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને રસી લેવા પ્રેરિત કરી શકાય એ માટે દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમોથી સજ્જ ટેબ્લો દ્વારા પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલી કોરોના વાયરસ કોવિડ -19 રસીકરણની કામગીરી દરમિયાન સૌથી વધુ સંખેડા તાલુકાના 25 ગામો, બોડેલી તાલુકાના 15 ગામો, નસવાડી તાલુકાના 13 ગામો, જેતપુર પાવી તાલુકાના 9 ગામો, કવાંટ તાલુકાના 3 અને છોટાઉદેપુર તાલુકાના 2 ગામોનું 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં નિષ્ણાંતો સંભવિત કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. તેવા સમયમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વધુમાં વધુ લોકોને રસીકરણના કવચ હેઠળ આવરી લેવા માટે કરવામાં આવી રહેલી કામગીરીની જનતા દ્વારા પણ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર