પાવીજેતપુર વન કુટીર પાસે રંગલી ચોકડી તરફથી આવતી મહેન્દ્રા ઝાયલો ગાડીના ચાલકે ગફલતભરી રીતે હંકારી ત્રણ બાઈક તેમજ પાવીજેતપુર પીએસઆઇની કાર તથા એક ઇકો ગાડીને ભયંકર રીતે અથાડતા એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર જ કરૂણ મોત થવા પામ્યું છે. તેમજ અન્ય 2 વ્યક્તિઓને આગળ રીફર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ કરાલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પોતાના સ્ટાફ સાથે વનકુટીરથી કરાલી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. તે સમયે હરખપુર નજીક સામેથી એક મહેન્દ્રા ઝાયલો કાર રોડ ઉપર લહેરાતી આવતી હતી તે સમયે પોલીસની ગાડીના સાઈડ ગ્લાસને ટચ કરી દીધી હતી. પોલીસ વાહન ચાલકે પોતાની ગાડીને રોડની નીચે ઉતારી દીધી હતી. રોડ ઉપર લહેરાતી જતી કારથી મોટી હોનારત થશે તેવો ભય જણાતા કરાલીના પી.એસ.આઈ.એ પાવીજેતપુરના પીએસઆઇને તાત્કાલિક જાણ કરી હતી. પાવીજેતપુર પી.એસ.આઇ વન કુટીર તાત્કાલિક પોતાના સ્ટાફ સાથે પહોંચી ગયા હતા.
મહીન્દ્રા ઝાયલો કારનો કરાલીના પી.એસ.આઈ.એ પોતાના સ્ટાફ સાથે પીછો કર્યો હતો. મહેન્દ્રા ઝાયલો ગાડીના ચાલક ગભરાઈ ગયા હોઇ તેઓએ વન કુટીર ઉપર મોલ પાસે એક બાઇક ચાલકને અથાડી હતી. ત્યારબાદ અન્ય બે બાઇક ચાલકોને પણ એક્સિડન્ટ કર્યું હતું. ઝાયલો ગાડીનો કહેર આટલેથી અટક્યો નહોતો. વન કુટીર ઉપર ઉભેલા પાવીજેતપુરના પી.એસ.આઇ.ની કારને પણ ભયંકર રીતે અથાડી ત્યાંથી ભાગી મહેન્દ્રા ઝાયલોના ચાલકે પાવી જેતપુર બસ સ્ટેન્ડ તરફ રોંગ સાઈડ ઉપર ભગાડી સામે ઊભેલી ઇકો ગાડીને ભયંકર રીતે અકસ્માત કર્યો હતો.
સમગ્ર ઘટનામાં બે બાઇક ચાલકોને સામાન્ય ઈજા થઈ હતી. તેથી તેઓ સ્થળ છોડીને જતા રહ્યા હતા. જ્યારે ચુડેલના વેચાતભાઇ ઊંઘયાભાઈ રાઠવા પોતાના જમાઈ રાકેશભાઈ હુરસીંગભાઈ રાઠવાને ઇંટવાડા મુકામે બાઈક ઉપર મુકવા જતા હતા. જે ઝાયલો ગાડીએ ઠોકી દેતા વેચાતભાઇ ઊંધિયાભાઈ રાઠવાનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત થયું હતું. જ્યારે રાકેશભાઈને ગંભીર ઇજાઓ થતાં આગળ રીફર કરવામાં આવ્યા હતા. તેઓ સાથે હિતેશભાઈ લાલુભાઈ તડવીને પણ આગળ રિફર કરવામાં આવ્યા હતા.
જ્યારે પાવાગઢનો પરિવાર પોતાની ઈકો ગાડીમાં પોતાના ઘર તરફ જઈ રહ્યું હતું. જેને સામેથી ઝાયલો ગાડીએ રોંગ સાઇડ ઉપર આવી અથાડી દેતા, વીણાબેન ઇશ્વરભાઇ રાઠવા (ઉંમર વર્ષ 35) ઇજાઓ થતા પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ઝાયલો ચાલકને પાવીજેતપુર પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાવીજેતપુરમાં પીએસઆઇ જેમને પણ બોચીમાં તેમજ માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી. આ ઘટના નિહાળવા સમગ્ર ગામ દોડી ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર