છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામના ત્રણ રસ્તા પરથી ધરોલિયા સાલોજ થઇને પાનવડ તરફનો માર્ગ પસાર થાય છે. આ માર્ગ પર સાલોજ ગામ નજીક ઉચ્છ નદી પર વર્ષોથી વાહનો તેમજ ગ્રામજનોની અવરજવર માટે છલિયુ બનાવાયેલુ છે. વર્ષોથી આ પંથકના વાહનો અને ગ્રામજનો નદી ઓળંગવા આ છલિયા( નાળા )નો ઉપયોગ કરે છે. આ છલિયુ ખુબ નીચુ હોવાના કારણે ચોમાસામાં નદીમાં પુર આવે ત્યારે છલિયા પરથી પાણી વહેતુ હોય છે. આમ થાય ત્યારે ગ્રામજનોએ નદી ઓળંગવા પાણી ઓસરવા સુધી રાહ જોવી પડે છે. થોડા વર્ષો પહેલા આ સ્થળે ઉચ્છ નદી પર નવો પુલ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. પુલના બાંધકામની મોટાભાગની કામગીરી લગભગ પુર્ણ થઇ ગઇ છે અને જે કામ બાકી છે તેની કામગીરી હાલ ચાલુ છે. આ પુલ પરથી સાલોજ ગામમાં જવા આવવા માટે કોઇ રસ્તાનું આયોજન કરવામાં આવ્યુ નથી,આને લઇને સાલોજ ગામની જનતામાં સ્પષ્ટપણે નારાજગી દેખાય છે.
અત્રે સાલોજ ગામ નજીક ઉચ્છ નદી પર છલિયાને અડોઅડ બનાવવામાં આવતા આ નવા પુલના આયોજનમાં સાલોજ ગામમાં જવાનો રસ્તો કેમ વિસરાયો એ બાબતે જનતામાં આશ્ચર્ય સહ પ્રશ્નાર્થ સર્જાયો છે. મળતી માહિતી મુજબ આ બાબતે થોડા સમય પહેલા સાલોજના ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કરીને સક્ષમ રજુઆતો પણ કરી હતી,પરંતુ આ સમસ્યાનું કોઇ નિવારણ આવ્યુ નથી,અને સાલોજ ગામના રસ્તાને ધરાર વિસારે પાડીને પુલનું કામ ચાલુ રાખવામાં આવ્યુ છે. આ બાબતે સ્થાનિક નેતાઓ સાલોજના ગ્રામજનોના વિશાળ હિતમાં આગળ આવેતો ધાર્યુ પરિણામ મળી શકે તેમ છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર