છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા ગણાતી ઓરસંગ નદીમાં પાણીની સારી આવક થતાં જોજવા ગામ પાસે આવેલો આડબંધ આ સિઝનમાં પહેલી વખત જ ઓવરફ્લો થયો હતો. ઓરસંગ છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા ગણાય છે. જોજવા પાસે ઓરસંગ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા વચ્ચે જોજવા ગામ આવેલું છે. જોજવા ગામ પાસે ગાયકવાડી સ્ટેટ વખતનો આડબંધ ઓરસંગ નદી ઉપર બનેલો છે. આ આડબંધ થકી પાણી કેનાલ મારફતે વઢવાણા તળાવ સુધી પહોંચે છે.
વઢવાણા ફિડર કેનાલ દ્વારા વઢવાણા તળાવ સુધી પહોંચતા પાણીથી વઢવાણા તળાવ ભરાય છે. આ તળાવના પાણી ડભોઇ અને સંખેડા તાલુકાના ગામોને મળે છે. વિતેલા 24 કલાક દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ ઓરસંગ નદીના કેચમેંટ વિસ્તારમાં પડવાના કારણે મંગળવારથી જ પાણીની સારી આવક શરૂ થઇ હતી.
પાણીની આવક થવાના કારણે જોજવા ગામ પાસે બંધાવેલ આડબંધ સિઝનમાં પહેલી વખત જ ઓવરફ્લો થયો છે. અહિંયા જોજવા પાસે ઓરસંગ નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળે છે. ઓરસંગ નદીની રેતી બાંધકામ માટે પ્રખ્યાત છે. ઓરસંગ નદીમાં પાણીની આવક થતા કિનારાના બોરકૂવા પણ રિચાર્જ થાય છે.
ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુરપાવી જિ.છોટાઉદેપુર