છોટાઉદેપુર નગરની મોટી ગણાતી એસ.બી.આઇ બેન્કની બેદરકારીના અનેક કિસ્સાઓ નગરમાં ટોપ ઓફ ધ ટાઉન બનવા પામેલ છે. તેમાનું તાજા કિસ્સા તરીકે ડિસેમ્બર માસનાં પ્રારંભમાં ડિપોઝિટ કરેલા નાણાં માસ પૂર્ણ થતાં સુધી સામે પાર્ટીને નહીં મળી આવેલ હોય નાણાં ડિપોઝિટ કરનારાને બેંકમાં બાબુઓ દ્વારા દોડતો કર્યા હોવાની ફરિયાદ મળવા પામેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર નગરના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ રાજુભાઈ દ્વારા તેઓના રાજસ્થાનનાં સંબંધીનાં ખાતામાં તારીખ 3/12/2020 ના રોજ 23500 બેન્કના એ.ટી.એમ મશીનમાં જમા કરાવી હતી, અને તેઓ બેંક તેમજ બેંકના કર્મચારીઓ ઉપર ભરોસો મૂકી પ્રવાસે નીકળી ગયા હતા. પરંતુ મોડા સમય સુધી નાણાં નહીં પ્રાપ્ત થનાર તેઓના સંબંધીએ તેઓને નાણાં પ્રાપ્ત નહીં થયા હોવાની જાણ કરાતા રાજુભાઈ હેબતાઈ ગયા હતા. ત્યારબાદ તેઓ દ્વારા બેંકના બાબુઓનો સંપર્ક કરતા તેઓને તેમને ટલ્લે ચઢવ્યા હતા.
આ લાવો, પેલું લાવો કરી પગ પાતળા કરી દીધા હતા. ત્યારે મીડિયાની દરમિયાનગીરી બાદ બેંકના બાબુઓએ રાજુભાઈની વાતને ગંભીરતાથી ધ્યાને લીધી હતી અને હજી પણ રાજુભાઈને બે દિવસમાં જે તે ખાતે પૈસા જમા થઈ જવાની હૈયાધારણા આપી હતી. ત્યારે વાત એમ છે કે બેંકના બાબુઓ બેંકના મોભ સહિત ખાવા-પીવાની વાતોમાં હંમેશા વ્યસ્ત રહેતા હોવાની સાથે ગ્રાહકોને તેઓના ગુલામ માનતા હોવાની વ્યાપક ચર્ચાઓ સાંભળવા મળી રહી છે, તો બેન્કના શાખા અધિકારીનું હેડ ક્વાર્ટર છોટાઉદેપુર હોવા છતાં પોતાના વતન જવાની કાગડોળે રાહ જોતા હોવાની વાતો પણ સામે આવી રહી છે. તેવામાં બેંકમાં શિસ્ત અને સેવાનું નામ માત્ર અભરાઈ એ ચઢાવેલી ફાઈલની સ્થિતિમાં જોવા મળી આવે તે સ્વાભાવિક છે. ત્યારે એમ ઉચ્ચ કક્ષાના બાબુઓ પોતાના મનમાં પછાત વિસ્તારની પ્રજા તરીકેની મનોવૃત્તિ બનાવી બેઠેલા હોય આ વિસ્તારની પ્રજાની ફરિયાદ સાંભળવા માટે તેમની પાસે સમય જ નથી.