છોટા ઉદેપુર જિલ્લાની એમ.જી.વી.સી.એલ કચેરીની કથળેલી કામગીરીથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, વરસાદના બે ચાર છાંટા પડતાની સાથે જ વિજળી ગુલ થઈ જાય છે અને આખી રાત્રી દરમિયાન પ્રજાજનોને વીજપુરવઠાથી વંચિત રહી અને આખી આખી રાત્રી દરમિયાન અંધારા ઉલેચવાના વારાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ કચેરીનાં નફ્ફ્ટ સત્તાધીશોને તેની કાંઈ જ પડી ના હોય તેમ તેમાં કોઇપણ જાતનો સુધારો વધારો કરવા માટે તૈયાર નથી અને પ્રજાની આ સમસ્યાઓનો નિકાલ કરવા માટે પરિણામલક્ષી ઉપાય શોધવામાં સરેઆમ નિષ્ફળ નીવડયા છે.
છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકમાં આ પરિસ્થિતિથી વીજ કંપની દ્વારા થઈ રહી છે તો ગ્રામ્ય વિસ્તારની તો દશાની વાતચીત કરવી એ માત્ર પ્રશ્નાર્થ છે… ? છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકમાં જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ નિવાસ કરે છે, છતાં આ આલા અધિકારીઓની પણ સેહ શરમના હોય તેમ આંતરે દિવસે વર્તમાન પત્રોની હેડલાઈન બનનારી કંપનીને તેની સાખની કાંઈ જ પડી નથી તેવું લાગી રહ્યું છે.
પ્રજાજનોમાં સામાન્ય રીતે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જો આપણે બિલ ભરવામાં વિલંબ કરીએ તો તેનો કંપની દ્વારા વિલંબિત ચુકવણી ચાર્જ લેવામાં આવે છે. તો કંપની દ્વારા તેની સેવા આપવામાં ખોટ થાય તો તેનો વળતર કેમ ગ્રાહકોને આપવામાં ન આવે તે બાબતે ચર્ચાઓએ જોર પકડ્યું છે અને નજીકના ભવિષ્યમાં આ બાબતે એમ.જી.વી.સી.એલ કંપની ખાતે ધરણા કરવાનું વિચારી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
તૌફીક શેખ : છોટાઉદપુર