સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા હાથ ધરાઈ છે તેવામાં છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનાં કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાનું આર્થિક પાટનગર ગણાતા બોડેલી નગરનાં વેપારીઓએ કોરોના સંક્રમણને અટકાવવા એક મહત્વનો નિર્ણય લીધો છે.બોડેલીનાં વેપારીઓ સ્વેચ્છાએ પોતાની દુકાનો સાંજે 4 વાગ્યે બંધ કરી દેશે. બોડેલી નગરમાં આસપાસના ગામોનાં લોકોની અવરજવર વધુ રહે છે. વેપારીઓનું માનવું છે કે જો 4 વાગ્યે બજાર બંધ રહેશે તો લોકોની અવરજવર ઉપર અંકુશ આવશે જે કોરોના સંક્રમણને ફેલાવતા અટકાવવામાં મદદરૂપ થશે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનાં કુલ 74 કેસ નોંધાયા છે જેમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે તેમજ 52 દર્દીઓને સારવાર આપી ડિસ્ચાર્જ પણ કરાયા છે. 74 પૈકી બોડેલી બ્લોકમાં 29 લોકો સંક્રમિત થયા છે. વધી રહેલા કેસો સંદર્ભે વેપારી મંડળનાં 4 વાગ્યે દુકાનો બંધ કરી દેવાના નિર્ણયને નગરના વેપારીઓએ ટેકો આપ્યો છે. તો નગરજનો પણ નિર્ણયને બિરદાવી રહ્યા છે.
તોફીક છોટાઉદેપુર