છોટાઉદેપુર જિલ્લાનાં કવાંટ તાલુકાનો સૌથી મોટો ગામ અને વેપારી મથક પાનવડ ખાતે સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા નિયમિત સાફ સફાઇ નહિ કરાવાતા ગામમાં ઠેરઠેર ગંદકી – કચરાના ઢગલા ખડકાયેલા છે, પાનવડ ગામમાં અંતરિયાળનાં ગામોમાંથી લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો ખરીદ- વેચાણ કરવા આવતા હોય છે, જેથી વહેલી સવારથી ગામમાં વેપાર શરૂ થતો હોય જેથી ગ્રામ્ય વિસ્તારનાં લોકોનો ટ્રાફિકનો ભારણ પણ વધુ હોય છે, હાલમાં કોવિડ ૧૯ મહામારી ચાલતી હોય ત્યારે સ્વચ્છતા અંગે કાળજી અનિવાર્ય બની છે, તેમજ સાથે સાથે દવાનો છંટકાવ પણ એટલો જ જરૂરી છે અને વધુમાં ચોમાસાની પણ શરૂઆત થઇ ગઇ છે, ત્યારે જિલ્લાની આરોગ્ય ટીમો દરેક ગામમાં દરેક ફળિયામાં શેરી શેરી મહોલ્લે મહોલ્લે જઈ આરોગ્ય સંબંધિત અવેરનેસ માટેની માહિતી આપી રહ્યા છે તેમજ લોકોને સ્વચ્છતા રાખવા માટેનું સૂચન કરવામાં આવી રહ્યું છે. લોકોને પાણી જન્ય રોગો ન થાય તે માટે પાણી ભરાવા તેમજ કચરો એકત્રીત ન થાય તે માટેની સમજણ આપી રહ્યા છે તેવામાં ગામમાં સફાઈ કરાવી આવશ્યક બની હોય. ગ્રામ પંચાયતનાં સત્તાધીશો આળસ ખંખેરી ગામનાં હિતમાં સત્વરે સ્વચ્છતા અભિયાન શરૂ કરી ગ્રામજનોનાં સ્વાસ્થ્યની જાળવણી માટે સફાઇ તેમજ દવાનો છંટકાવ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
તૌફીક શેખ, છોટાઉદેપુર